ડભોઇ રોડ પર જૂના ઝઘડાની અદાવતે હોકી, પાઇપ અને બેઝબોલની સ્ટીકથી હુમલો
બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી : પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા આરોપીઓ ભાગી ગયા
વડોદરા,ડભોઇ રોડ ચીમનભાઇની ચાલીમાં જૂના ઝઘડાની અદાવતે ગઇકાલે રાતે ફરીથી ઝઘડો થયો હતો. હુમલાખોરોએ પાઇપ, હોકી અને બેઝબોલની સ્ટીકથી હુમલો કર્યો હતો. વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ રોડ બાબુભાઇ પાર્કમાં રહેતા શ્રદ્ધાબેન શત્રુભાઇ વર્માએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા જેઠ સુનિલભાઇ દાહોદ ગયા હતા. જેથી, ઘરે કોઇ નહી હોવાથી અમે તેઓના ઘરે ગઇકાલે રાતે સવા બાર વાગ્યે ચીમનભાઇની ચાલીમાં સૂવા માટે ગયા હતા.તે સમયે ચીમનભાઇની ચાલી બકાભાઇના ઓટલા પાસે અજય રંજનભાઇ વર્મા, ગોટુ વર્મા, કાળીયો મકવાણા તથા જગો તડવી ખુરશી પર બેઠા હતા. અમને જોઇને અજયે બોલવાનું શરૃ કર્યુ હતું કે, અગાઉ ઝઘડો થયો હતો, આપણે ડરવાનું નથી. જેથી, મેં અજયને આવું બોલવાની ના પાડી હતી. અજયે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. મારા પતિ વચ્ચે પડતા અજયે તેમની સાથે ઝપાઝપી કરી હતી. હું છોડાવવા વચ્ચે પડતા અજયે મને ધક્કો માર્યો હતો. ગોટુ વર્મા અને કાળીયો મકવાણા મારા પતિ સાથે મારામારી કરવા લાગ્યા હતા. દરમિયાન અજયનો ભાઇ રોહિત વર્મા લાકડીથી મારા પતિ પર હુમલો કર્યો હતો. રંજન નોખેલાલ વર્માએ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મેં પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે અજય રંજનભાઇ વર્માએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું તથા મારા મિત્રો કૌશિક મકવાણા, કમલેશ ઉર્ફે ગોટુ વર્મા, કિશોર ગઇકાલે રાતે ચીમનભાઇની ચાલીમાં અંદરોઅંદર વાતચીત કરતા હતા. તે દરમિયાન મારા મોટા બાપા નંદુ નોખેલાલ વર્મા, તેમનો પુત્ર શત્રુ તથા વિષ્ણુ શર્મા હોકી અને પાઇપ લઇને આવ્યા હતા. તેઓએ મારા પર હુમલો કરી માથા, હાથ અને પગ પર ઇજા પહોંચાડી હતી. વાડી પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.