ગોલ્ડન ચોકડી વિસ્તારમાં રૃપિયાની ઉઘરાણી માટે ટેમ્પા ડ્રાઇવરને દુકાનમાંથી ખેંચી કાઢી હુમલો
વડોદરાઃ હરણી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં રૃપિયાની ઉઘરાણી માટે ટેમ્પા ડ્રાઇવર પર હુમલો કરવાનો બનાવ બનતાં પોલીસે બે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.
દરજીપુરાના જીવરામનગર ખાતે રહેતા અને ટેમ્પો ડ્રાઇવિંગ કરતા બિપીન ચૌહાણે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૭મીએ સાંજે હું ગોલ્ડન ચોકડી પાસે હતો ત્યારે જગદીશ ભરવાડ આવ્યો હતો અને ટેમ્પાના ભાડાના પૈસા ક્યારે આપીશ તેમ કહેતાં મેં રાહુલ સાથે તેની વાત કરાવી એક કલાકમાં પૈસા મળી જશે તેમ કહ્યું હતું.
ત્યારબાદ જગદીશનો ફોન આવ્યો હતો અને તું વાયદા કેમ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.મોડીસાંજે હું દૂધ લેવા માટે દુકાને ગયો ત્યારે જગદીશ અને ભગવાન ભરવાડે મને દુકાનમાંથી ખેંચી કાઢ્યો હતો અને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો.