કોમામાં સરી પડેલી નેન્સીના કેસમાં ઊહાપોહ થતાં આખરે પિતાની ધરપકડ
વડોદરાઃ સગીર બાઇક ચાલકે અડફેટમાં લેતાં લો કોલેજની મોપેડ સવાર વિદ્યાર્થિની નેન્સી બાવીસી ૧૦૦ દિવસથી કોમામાં હોવાથી તેના કેસમાં ગંભીર બેદરકારી રાખનાર લક્ષ્મીપુરા પોલીસ ફરી એક વાર વિવાદમાં આવી છે.
નેન્સીના કેસમાં વિવાદ સર્જાયા બાદ એસીપી આરડી કવાએ આજે કહ્યું હતું કે,આ કેસમાં આરોપી સગીરવયનો હોવાથી અને તેને પણ ઇજા થઇ હોવાથી જે તે વખતે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે તેના પિતાને પણ નોટિસ આપી હતી.
તો બીજીતરફ આ કેસમાં તપાસ અધિકારી પીએસઆઇ વિજય પાંડવ દ્વારા સ્પોર્ટ્સ બાઇક કેમ કબજે લીધી નથી, આરોપીએ નશો કર્યો છે કે નહિં તેનો ટેસ્ટ કેમ નથી કરાવ્યો જેવા મુદ્દે નેન્સીના પરિવારજનો અને મિત્રવર્તુળે સવાલો ઉઠાવતાં એસીપીએ ખાતાકીય રાહે તપાસ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
દરમિયાનમાં ઉપરોક્ત કેસમાં વિરોધ વંટોળ થયા બાદ આખરે લક્ષ્મીપુરા પોલીસે નેન્સીને અડફેટમાં લેનાર સગીરના પિતાની આજે બનાવના ત્રણ મહિના બાદ ધરપકડ કરી છે.