બિચ્છુ ગેંગના અસલમ બોડિયો અને મુન્ના તડબૂચની બે કરોડની મિલકતો ટાંચમાં લીધા પછી કોર્ટમાં કાર્યવાહી શરૃ થઇ
રિક્ષા માલિકોએ કોર્ટમાં સોગંદનામા કરી જણાવ્યું કે, આ રિક્ષાઓ અસલમની છે
વડોદરા,ગુજસીટોક હેઠળ પકડાયેલી બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ બોડિયા અને તેના સાગરીત મુન્ના તડબૂચની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. જેની બહાલી માટે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે રિક્ષા માલિકોએ કોર્ટમાં સોગંદનામા રજૂ કર્યા હતા.
ગુજરાત સરકારે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કંટ્રોલમાં લેવા માટે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ ને મંજૂરી આપતાં વડોદરા પોલીસે ગુજસીટોકનો બિચ્છુ ગેંગ સામે વડોદરામાં પહેલો ગુનો નોંધ્યો હતો.જે અંતર્ગત જમીન, મકાન,મિલકત પચાવી પાડવા માટે આર્થિક લાભ ખાતર નાણાંની લેતીદેતી કરવાના આરોપસર બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ હૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડીયો તેમજ તેના સાગરીત મહંમદ હુસેન ઉર્ફે મુન્ના તડબૂચ જાકીરહુસેન શેખ(બંને રહે.નવાપુરા,મહેબૂબ પુરા)સહિત કુલ ૨૬ સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.અસલમ બોડીયાનો તહુરાપાર્ક-૧,તાંદલજા ખાતેનો રૃ.૪૪.૭૫ લાખની કિંમતના ફ્લેટ સહિત કુલ રૃ.૬૯.૮૮ લાખની મિલકત ટાંચમાં લીધી હતી. જ્યારે,મુન્ના તડબૂચની ડભોઇરોડ દિવાળીપુરા ખાતે આવેલી બાંધકામની સાઇટ તેમજ ફાર્મ હાઉસ સહિત કુલ રૃ.૧.૩૨ કરોડની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત અસલમની ચાર રિક્ષાઓ પણ ટાંચમાં લેવામાં આવી હતી. કાયદા મુજબ,ટાંચમાં લીધેલી મિલકત અંગેની કાર્યવાહી કોર્ટમાં શરૃ થઇ છે. રિક્ષાની ઓન પેપર માલિકી ધરાવતા લોકોએ આજે કોર્ટમાં સોગંદનામા કરી એવી વિગતો જાહેર કરી હતી કે, આ રિક્ષાઓ અસલમ બોડિયાની છે.
સેક્શન - ૧૮ મુજબ મલિકત ટાંચમાં લેવાના અને ૪૮ કલાકમાં સ્પેશ્યલ કોર્ટને જાણ કરવાની હોય છે. ત્યારબાદ ટાંચ લેતા હુકમની બહાલી માટે કોર્ટમાં કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે રઘુવીર પંડયાની નિમણૂક કરવામાં આવી છે.