ટેક્સટાઇલના ધંધામાં ભાગીદાર બનાવવાનું કહી ૧.૫૫ કરોડ પડાવી લીધા
દુબઈના વેપારીએ રૃપિયા પરત ચૂકવવા પ્રોમિસરી નોટ લખીને આપ્યા પછી પણ પરત ન આપતા ફરિયાદ
વડોદરા,દુબઇમાં ટેક્સટાઇલનો ધંધો કરતા વેપારીએ ભારતમાં નવો ધંધો શરૃ કરવાનું તરકટ રચી વડોદરાના વેપારીને તેમાં ભાગીદાર બનાવવાનું કહી ૧.૫૫ કરોડ પડાવી લીધા હતા. દુબઇના વેપારીએ ધંધો શરૃ કર્યો નહતો તેમજ રૃપિયા પણ પરત આપ્યા નહતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વારસિયા ધોબી તળાવ પાસે દેવીનારાયણ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના હરિશ ઇસરદાર જૈન્દાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી કવિતાની નણંદના સસરા સાથે વર્ષ - ૨૦૧૪ માં પરિચયમાં આવ્યા હતા. તેઓની સાથે વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં ભાગીદારી કરવા માટે વાતચીત કરી હતી. ઓગસ્ટ - ૨૦૧૫ માં મારા જમાઇના મોટાભાઇ રાજેશ મુલાણી તેમજ લાલચંદ કેશકાણી, મીરા કેશકાણી, કેશકાણી, હેમા કેશકાણી ધંધાની વિગતવાર ચર્ચા કરવા અમારા ઘરે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમે દુબઇ ખાતે ટેક્સટાઇલનો વેપાર કરીએ છે. અમે દુબઇની સાથે આપણા દેશમાં પણ ધંધો વિસ્તારવાનું વિચારીએ છે. જેના માટે રોકાણ કરી શકે તેવા ભાગીદારની જરૃરિયાત છે. જો તમે રોકાણ કરશો તો ભાગીદાર બનાવીશું. જો ધંધો સેટ નહીં થાય તો તમને તમારા રોકાણના રૃપિયા પરત કરી દઇશું. તેઓએ રોકડામાં રૃપિયાની માંગણી કરતા અમે ટૂકડે - ટૂકડે ૧ કરોડ રૃપિયા માર્ચ - ૨૦૧૬ થી એપ્રિલ - ૨૦૧૭ દરમિયાન આપ્યા હતા. આ રૃપિયાની વ્યવસ્થા અમારા કૌટુંબિક ભાઇઓ, દીકરા તથા પત્ની પાસેથી કરી હતી. તેઓની દાહોદ, અમદાવાદ, વડોદરા અને આણંદમાં આવેલી મિલકતો વેચી હતી.તેઓએ અમને દુબઇ લઇ જઇ તેમનો ધંધો બતાવી કહ્યું કે, આપણે સુરતમાં દુકાન શરૃ કરીશું.
ત્યારબાદ એક્સપોર્ટના ધંધાના લાયસન્સ માટે અમારી પાસેથી ૫૫ લાખ ઉછીના માંગતા અમે આપ્યા હતા. ઓગસ્ટ - ૨૦૧૭ મા ંરાજેશ મુલાણી અમારા ઘરે બે પ્રોમિસરી નોટ લઇને આવ્યા હતા. તેમાં અમે આપેલા ૧.૫૫ કરોડ પરત કરી દેવા પ્રેમ કેશકાણી તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કેશકાણીએ લખાણ કર્યુ હતું. ૧ કરોડ રૃપિયા તા. ૦૪ - ૦૮ - ૨૦૨૨ સુધી તથા ૫૫ લાખ રૃપિયા તાય ૧૦ - ૦૧- ૨૦૧૮ સુધીમાં પરત કરી દેવાનું લખાણ હતું. તેઓએ હજી સુધી અમારા રૃપિયા પરત કર્યા નથી અને શારજાહ ખાતે ઝમઝમ સુપર માર્કેટમાં નવી દુકાનો શરૃ કરી છે.
છ પૈકી પાંચ આરોપીઓ શારજાહ ખાતે રહે છે
વડોદરા,દુબઇમાં રહેતા પાંચ સહિત કુલ છ આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેમાં (૧) લાલચંદ કેશકાણી (રહે. નંદધામ ટેનામેન્ટ, મહેશ કોમ્પલેક્સની પાછળ, વાઘોડિયા રોડ) (૨) મીરા લાલચંદ કેશકાણી (૩) પ્રેમ લાલચંદ કેશકાણી (૪) હેમા ઉર્ફે જાનવી પ્રેમ કેશકાણી (૫) જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલચંદ કેશકાણી તથા (૬) વંદના ઉર્ફે સીમા જીતેન્દ્ર કેશકાણી ( તમામ રહે. શારજાહ, યુ.એ.ઇ.) નો સમાવેશ થાય છે.