ગોરવા વિસ્તારમાં ચાલતી જતી મહિલાને સુરત જવાનો રસ્તો પૂછી ગઠિયાએ સોનાના દાગીના કાઢી લીધા
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ગઇકાલે બપોરે ચાલતી જતી મહિલાને બે ગઠિયાઓએ સુરત જવાનો રસ્તો પૂછી દાગીના ઉતારી લીધા હોવાનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોરવા આઇટીઆઇ નજીક રિધ્ધિસિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા અને બંગલામાં કામ કરતા આધેડવયના ગીતાબેન જાદવે કહ્યું છે કે,ગઇકાલે બપોરે હું કામે જતી હતી ત્યારે દશામા ચોકડી પાસે એક શખ્સે મને રોકીને સુરત જવાનો રસ્તો પૂછ્યો હતો.જેથી મેં તેને સુરત બહુ દૂર છે,ટ્રેનમાં જવું પડે તેમ કહ્યું હતું.
આ વખતે બીજો ગઠિયો પણ આવી ગયો હતો અને તેણે ચાલો આપણે આ ભાઇને સુરતનો રસ્તો બતાવી આવીએ.તેની પાસે થેલીમાં રૃપિયા છે તેનો આપણે બંને ભાગ પાડી લઇશું.તેમ કહી વાતોમાં ફસાવીને મને આઇટીઆઇ સુધી લઇ ગયો હતો.ત્યાં એક બસ ની આડમાં મને લઇ જઇ ગઠિયાએ કહ્યું હતું કે,મારે થેલીના રૃપિયા જોઇતા નથી.તેના બદલામાં મને તમારી બુટ્ટી અને શેર આપી દો.જેથી મેેં તેને અંદાજે રૃ.૩૦ હજારની કિંમતની બુટ્ટી અને શેર(કાનના ભાગે પહેરવાનો દાગીનો) કાઢીને આપ્યા હતા.
મહિલાએ કહ્યું છે કે,થેલી લઇને હું ઘેર આવી હતી.એપાર્ટમેન્ટની નીચે થેલી ચેક કરી તો અંદર રૃપિયા નહિ પણ નોટબુકના કાગળના ટુકડા હતા.જેથી હું પરત આઇટીઆઇ ગઇ હતી.પરંતુ ત્યાં બંને ગઠિયા હાજર નહતા.ગોરવા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.