મોટી છીપવાડની મિલકત વેચાણનો વિવાદ અશાંતધારાના બોગસ સર્ટિફિકેટથી દસ્તાવેજ થયો ઃ FIRનો હુકમ

વેચાણ દસ્તાવેજની રેવન્યૂ, સિટિ સર્વે કચેરી કે અન્ય કોઇ નોંધણી માટે પણ મનાઇહુકમ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
મોટી છીપવાડની મિલકત વેચાણનો વિવાદ  અશાંતધારાના બોગસ સર્ટિફિકેટથી દસ્તાવેજ થયો ઃ FIRનો હુકમ 1 - image

વડોદરા, તા.27 ચાર દરવાજા  વિસ્તારમાં લઘુમતી કોમના શખ્સને મકાન વેચી દેવામાં આવ્યું હોવાના બનાવમાં અશાંતધારાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરાયું હોવાનું ફલિત થતા આ ગંભીર બનાવમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ચાર દરવાજા વિસ્તારમાં મોટીછીપવાડ વિસ્તારમાં લતાબેન સુર્યકાંત શાહની મિલકત ઇલીયાસભાઇ યુસુફભાઇ ધોબીને વેચાણ કરવા મુદ્દે સ્થાનિક રહિશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો  હતો અને ખોટી રીતે દસ્તાવેજ થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. આ બાબતે શહેર એસડીએમ દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટીછીપવાડની મિલકત અંગે અશાંતધારાની પરવાનગી માંગવામાં આવી ત્યારે વર્ષ-૨૦૨૧માં મામલતદાર પૂર્વ તેમજ પોલીસ કમિશનર કચેરી દ્વારા નકારાત્મક અભિપ્રાય અપાતા અશાંતધારાની અરજી નામંજૂર કરાઇ હતી. જો કે બાદમાં લતાબેને મહેસૂલ સચિવ, મહેસૂલ વિભાગ(વિવાદ) અમદાવાદ સમક્ષ અપીલ કરતા તે કેસને રિમાન્ડ કરવામાં આવતા એસડીએમ કચેરીએ એપ્રિલ-૨૦૨૩માં રૃબરૃ સુનાવણી કરવામાં આવી હતી.

રિમાન્ડ કેસ બાદ ફરીથી અભિપ્રાય તાત્કાલિક મંગાવવામાં આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા કોઇ અભિપ્રાય આપવામાં આવ્યો નથી તેમ જણાવાયું હતું અને હજી કેસ પેન્ડિંગ હોવાનો ઉલ્લેખ હતો. આમ દસ્તાવેજ માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થયો  હોવાનું સ્પષ્ટ થતા આખરે એસડીએમ દ્વારા આકરા પગલા લેવાનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં ખોટી અથવા બનાવટી પરવાનગી અન્વયે વેચાણ દસ્તાવેજની રેવન્યૂ, સિટિ સર્વે કચેરી કે અન્ય કોઇ નોંધણી કરવા પર મનાઇહુકમ અપાયો  હતો અને પોલીસ તપાસો હુકમ કરાયો હતો.

બોગસ હુકમમાં ખુલ્લી જગ્યા અને દસ્તાવેજમાં મકાનનો ઉલ્લેખ

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મોટી છીપવાડ વિસ્તારની વિવાદીત મિલકતના દસ્તાવેજ બાદ પોલીસ તેમજ રેવન્યૂ વિભાગ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ જણાયું હતું કે અશાંતધારાની મંજૂરીના હુકમમાં મિલકતના વર્ણનમાં ખુલ્લી જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે દસ્તાવેજમાં મિલકતના પ્રકારમાં મકાનનો ઉલ્લેખ છે. આમ દસ્તાવેજવાળી મિલકતનું વર્ણન વિરોધાભાસી સ્પષ્ટ જણાયું હતું.

જવાબદારો નક્કી કરવા માટે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૃ

વડોદરા શહેરના નાયબ કલેક્ટર દ્વારા અશાંતધારાના બોગસ હુકમમાં અનેક વિગતોનો પર્દાફાશ થતા સમગ્ર પ્રકરણમાં એસડીએમ દ્વારા સબ રજિસ્ટ્રાર વડોદરા-૧ અથવા શિરસ્તેદારને સરકાર તરફે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે. નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં હાલ કોણ દોષી છે તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવશે. સહિ માટે એફએસએલની મદદથી માંડી જવાબો લેવાશે અને જવાબદાર નક્કી થયા બાદ ફરિયાદ કરાશે.


Google NewsGoogle News