ફાયર એનઓસી નહીં હોવાથી શુકન મોલમાં ગેસ્ટ હાઉસ સીલ,૧૫ને નોટિસ ફટકારાઇ
સીંદબાદ પાસેના શુકન મોલમાં એકપણ એકમ પાસે ફાયર એનઓસી નહીં
મુસાફિર રેસ્ટોરન્ટને સીલ કરવા માટે પહોંચેલી ટીમ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ફોન આવતાં પરત ફરતા શહેરના લોકોમાં તર્ક વિતર્ક
કલોલ નગરપાલિકાની ટીમ મુસાફિર રેસ્ટોરન્ટ સીલ કરવા પહોંચી
હતી. ટીમે રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી આરંભી હતી તે દરમિયાન ચીફ ઓફિસરનો ફોન
આવતા કર્મચારીઓ પરત ફર્યા હતા. કર્મચારીઓ સવારથી ફાયર સેફટીનો લઈને પરસેવો પાડી
રહ્યા હતા ત્યારે વગદાર લોકો પર અધિકારીઓ મહેરબાન થતા કર્મચારીઓની મહેનત પર પાણી
ફરી વળ્યું હતું.
પાલિકાની ટીમ
દ્વારા ફાયર ઓફિસર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી નોટિસ આપવામાં આવી હતી. હોટેલ શર્મા
ઇન નામના હોટલ કે ગેસ્ટ હાઉસને ફાયરના સાધનો ન હોવાના કારણોસર સીલ કરવામાં
આવ્યું.અન્ય દુકાનોમાં એનઓસી રીન્યુ કરાવવામાં નહોતી આવી તેમને રીન્યુ કરાવવા
નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયરના સાધનો લગાવેલા હતા પરંતુ એનઓસી ન લીધી હોય
તેવા એકમોને ઓનલાઈન અરજી કરી એનઓસી લેવા તાકીદ કરાઈ હતી.
રેસ્ટોરન્ટ-હોટેલ સીલ ન થાય તે માટે માલિકોના ધમપછાડા
કલોલના શુકન કોમ્પ્લેક્સમાં નગરપાલિકાની ટીમ ફાયર સેફટી
મામલે તપાસ કરવા પહોંચી હતી ત્યારે રેસ્ટોરન્ટ અને કેફે માલિકોએ આણછાજતું વર્તન
કર્યું હતું. રેસ્ટોરન્ટ્સ સીલ ન કરવા અધિકારીઓ અને નેતાઓ સુધી પોતાની વગ વાપરવાનો
પ્રયાસ કરવામાં આવ્યો હતો. શોપિંગ કોમ્પલેક્ષમાં ફાયર સેફટી કે એનઓસી ન હોવા છતાં
ગેરકાયદેસર રીતે ખાણીપીણીના એકમો ચાલી રહ્યા છે જેના કારણે આગનું જોખમ ઊભું થયું છે.
રેસ્ટોરન્ટ માલિકોને જાહેર સુરક્ષાની પડી જ ન હોય તેમ ચોરી પર સીના ચોરી કરતા
ઉપસ્થિત લોકોમાં રોષ ફેલાયો હતો.
કલોલનું શુકન કોમ્પ્લેક્સ જીવતા બોમ્બ સમાન બન્યું
કલોલના શુકન કોમ્પ્લેક્સમાં અનેક પ્રકારની ગેરકાયદેસર
કામગીરી ચાલી રહી છે. આ કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડમાં વીજળીના મીટર નીચે જ મોટી
સંખ્યામાં કોલસા પથરાયેલા જોવા મળ્યા હતા. આ સંજોગોમાં સ્પાર્ક થાય તો મોટી
દુર્ઘટના ઘટી શકે તેમ છે. વધુમાં શોપિંગ સેન્ટરમાં સેંકડોની સંખ્યામાં ગેસના
બાટલાઓનો સંગ્રહ કરાયેલ છે.અહીં અનેક હોટેલ રેસ્ટોરન્ટ અને કેફે ચાલી રહ્યા છે. આ
હોટલોમાં કામ કરતા કર્મચારીઓને રહેવા માટે અલાયદી સુવિધા કરવાને બદલે નાણાં બચાવવા
કોમ્પ્લેક્સમાં જ દુકાનો ભાડે રાખવામાં આવી છે. સાંકડી દુકાનોમાં મોટી સંખ્યામાં
લોકો રહેતા હોવાથી આગ જેવી દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ શકે છે.