સિધ્ધનાથ તળાવ સૂકાઈ જતાં હવે કોર્પો.નું તંત્ર સફાઈ કરાવે
જંગલી વનસ્પતિ, વેલા, લીલ અને ગંદકી સાફ થાય તો ચોમાસાનું નવું પાણી ભરી શકાશે
વડોદરા,વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક સિધ્ધનાથ તળાવ હાલ સૂકાઈ ગયું છે. તળાવ સૂકુભઠ્ઠ થઈ ગયું છે. જેમાં જંગલી વનસ્પતિ સહિતની ગંદકી જામેલી દેખાય છે. હજી ચોમાસુ શરૃ થયું નથી તો આખા તળાવને અંદરથી સાફ કરી દેવાની જરૃર છે.
જો આમ કરવામાં આવશે તો તળાવમાં ચોમાસાનું નવું પાણી પણ ભરાશે. અગાઉ ગાયકવાડી શાસનમાં આ તળાવ ઈન્ટરકનેક્ટ હતું એટલે કે બીજા તળાવોનું પાણી તેમાં આવતું હતું, પરંતુ બ્યુટિફિકેશન કરવામાં આવતા એ બારા પૂરાઈ જતાં તળાવમાં હવે પાણી આવતું જ નથી. અગાઉ કોર્પો. દ્વારા બોર બનાવાયા હતા. જે ચાલુ કરીને તળાવમાં પાણી ભરવાનું આયોજન હતું, પરંતુ બોર બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન છે.
આ મુદ્દે વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે મ્યુનિ. કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, વડોદરા શહેરની મધ્યમાં કોર્પોરેશનની ઓફિસથી આશરે ૫૦૦ મીટરના અંતરે ગાયકવાડી વખતનું સિધ્ધનાથ તળાવ આવેલું છે. આ તળાવને કોર્પોરેશને અગાઉ ડેવલપ કર્યું હતું, અને વોકિંગ ટ્રેક પણ બનાવ્યો હતો, પરંતુ તંત્રની બેદરકારીને લીધે ગંદા પાણીથી ખદબદતું જોવા મળી રહ્યું હતું. તળાવમાં પાણી નહી હોવાના કારણે સૂકાઈ જતા તથા ગંદકીના કારણે વોકિંગ ટ્રેક પર ચાલવા આવતા લોકો દુવિધા અનુભવી છે. સાંજના સમયે ઘણી ખરી લાઈટો પણ ચાલતી ન હોવાથી ખાસ કરીને મહિલાઓ વોકિંગ માટે આવતા ખચકાય છે. થોડા સમય પછી વરસાદ શરુ થશે. નવું પાણી આવશે, એ પહેલા પાલિકાના સત્તાધિશો તળાવની સફાઈ કરાવે તો તળાવમાં નવું ચોખ્ખું પાણી ભરી શકાય એવું સૂચન તેમણે કહ્યું છે.