મેમુ ટ્રેનમાં પેસેન્જરની તબિયત અચાનક બગડતા બેભાન થઇ ગયો

પોલીસે સીપીઆર આપતાં બેભાન થયેલો પેસેન્જર ભાનમાં આવી ગયો

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
મેમુ ટ્રેનમાં પેસેન્જરની તબિયત અચાનક બગડતા બેભાન થઇ ગયો 1 - image

વડોદરા, તા.21 વડોદરા રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં એક પ્રવાસી અચાનક બેભાન થઇ જતાં તેને રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક સીપીઆર આપી ભાનમાં લાવીને તેનો જીવ બચાવાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં થાન્દલા તાલુકામાં મીયાતી ગામમાં રહેતો શ્રમજીવી રસીયા પારસીંગ ગણાવા વડોદરાથી ગોધરા મેમુ ટ્રેનમાં બેસી જતો હતો. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ પર ઊભી  હતી. અચાનક ટ્રેનમાંથી બૂમાબૂમ થઇ હતી અને લોકોના ટોળાં ભેગા થઇ ગયા હતાં. આ વખતે રેલવે પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ કરી રહેલા પીઆઇ એફ.એ. પારગી તેમજ સ્ટાફના માણસો શું થયું તે જોવા ગયા હતાં.

આ વખતે ટ્રેનની સીટ પર રસીયા ગણાવા બેભાન થઇને ઢળી પડયો  હતો. જેથી પીઆઇએ તાત્કાલિક પેસેન્જરને સીટ પરથી નીચે ઉતારી તેને સીપીઆર આપેલ આ સાથે જ થોડીવારમાં પેસેન્જર ભાનમાં આવી ગયો હતો અને બાદમાં તેને એમ્બ્યૂલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો  હતો. ઉલ્લેખનીય છે કે બે માસ પહેલાં દરેક પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી.




Google NewsGoogle News