19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું 1 - image


પ્રોબેશન પુર્ણ કરી લાંબા ગાળાની નિમણૂક આપવા વારંવાર રજુઆત

ચેકપોસ્ટ ઉપર સુવિધા ઉભી કરવા તથા નનામી અને બદલો લેવાની ભવનાથી કરાયેલી અરજીની તપાસ બંધ કરવા માંગ

ગાંધીનગર :  ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ-તથા સયંક્તુ મોરચા દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ વિવિધ ૧૯ જેટલી પડતર માંગણીઓ બાબતે આંદોલન છેડયું છે.જેમાં આજે ગાંધીનગર આરટીઓમાં ટેકનીકલ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આગામી દિવસમાં ધરણાનું પણ આયોજન કરાયું છે. 

ગુજરાત મોટર વાહન વ્યવહાર વિભાગના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પ્રોબેશન પુર્ણ કરીને લાંબા ગાળીની સર્વિસ માટે નિમણૂક આપવા ઉપરાંત ચેકપોસ્ટ ઉપર સુવિધા ઉભી કરવા તથા છેવાડાના જિલ્લામાં ૨૪ કલાક ચેકપોઇન્ટ કાર્યરત રાખી આંતરિક જિલ્લાઓમાં ફ્લાઇંગ પધ્ધતિથી ચેકિંગની વ્યવસ્થા ગોઠવવા અગાઉ રજુઆત કરાઇ હતી. આ ઉપરાંત ઇન્સ્પેક્ટર તથા આરટીઓના અધિકારીઓ વિરૃધ્ધ નનામી-બેનામી અરજીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તે તાત્કાલિક બંધ કરવા તેમજ એજન્ટો તથા ટ્રાન્સપોટર્સ દ્વારા અયોગ્ય કામગીરી નહીં કરી આપવાનો બદલો લેવા માટે કરવામાં આવેલી અરજીની તપાસ-ચાર્જસીટના પ્રકરણો પણ બંધ કરવા માંગણી કરવામાં આવી છે. આવી વિવિધ ૧૯ જેટલી રજુઆતો અગાઉ વારંવાર ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હોવા છતા કોઇ સુખદ નિરાકરણ નહીં આવતા આખરે આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ આંદોલન છેડયું છે.

આજે પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરીને ગાંધીનગરના આરટીઓ અધિકારી તથા ઇન્સ્પેક્ટરોએ ફરજ નિભાવી હતી. ત્યારે આવતીકાલે પ્રાદેશિક-સહાયક વાહન વ્યવહાર કચેરીના વડાને આવેદનપત્ર આપશે અને તેઓના મારફતે આ આવેદન વિભાગના વડા અધિક મુખ્ય સચિવને પવામાં આવશે.ત્યાર બાદ સોશ્યલ મિડીયા મારફતે આ માંગણીઓ મંત્રી તથા મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. તો રિશેષના સમયે ઘંટનાદ કરીને પણ વિરોધ કરાશે. તા.૧લી માર્ચે ટેકનિકલ અધિકારીઓ એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જશે. તથા તા.૪થીએ સત્યાગ્રહ છાવણીએ ધરણાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 


Google NewsGoogle News