આચારસંહિતાના ભાગરૃપે કોર્પો.ના પાંચેય હોદ્દેદારની ગાડીઓ જમા કરાવી દીધી
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડીઓ જૂનમાં પરત મળી શકશે
વડોદરા,લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૃ થઈ ગયો છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને હોદ્દા અનુરૃપ મળતી ગાડીઓ કોર્પોરેશનની વ્હીકલપુલ શાખામાં જમા કરાવી દેવામાં આવી છે.
મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક અને શાસકપક્ષના નેતાને ગાડી ફાળવવામાં આવે છે. આ ગાડીઓ હવે જિલ્લા ચૂંટણી તંત્રને તેઓની સૂચના મુજબ સોંપી દેવાશે. બહારથી જે કોઈ ચૂંટણી નિરીક્ષકો આવે તેઓ માટે આ ગાડીઓ ડ્રાઈવર સાથે તૈનાત રખાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડીઓ કોર્પોરેશનના હોદ્દેદારોને જૂનમાં પરત મળશે.
બહારથી કોઈ વીઆઈપી આવે અને પ્રોટોકોલના ભાગરૃપે મેયરે તેમને રિસિવ કરવા જવાનું થાય તો તેમને ગાડીની સુવિધા મળી શકે. એરપોર્ટ પર રિસિવ કર્યા બાદ મેયર ગાડી સાથે તેમના કાફલામાં જોડાઈ ન શકે ગાડી પરત જમા કરાવી દેવી પડે છે.