400 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, પરીક્ષા પાછી ઠેલવા આર્ટસના વિદ્યાર્થીઓનો MSU હેડ ઓફિસ પર મોરચો
વડોદરા,તા.5 જાન્યુઆરી 2023,ગુરુવાર
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ૭ જાન્યુઆરીથી શરુ થનારી એસવાયબીએની એટલે કે ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવાની માંગણી વધારે ઉગ્ર બની છે.
આજે વિદ્યાર્થીઓનો મોરચો યુનિવર્સિટી હેડ ઓફિસ પર પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓએ બે કલાક સુધી દેખાવો કરતા ફેકલ્ટીના વાઈસ ડીન અને સ્ટુડન્ટ ડીનને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દોડી જવુ પડયુ હતુ.
વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, પોર્ટલ બંધ કરી દેવાયુ હોવાથી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફી ભરી શક્યા નથી. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.બીજી તરફ પરીક્ષાની જાહેરાત પણ હજી એક સપ્તાહ પહેલા જ કરવામાં આવી છે. યુનિવર્સિટીના નિયમ પ્રાણે પરીક્ષાનુ ટાઈમ ટેબલ ૨૧ દિવસ પહેલા જાહેર કરવાનુ હોય છે. બીજી તરફ ફેકલ્ટી ડીને અમને કહ્યુ છે કે, થાય તે કરી લેજો પણ પરીક્ષા તો ૭ જાન્યુઆરીથી જ લેવામાં આવશે. જેના કારણે અમારે રજૂઆત કરવા માટે હેડ ઓફિસ દોડી આવવુ પડયુ છે.