આંદોલન બાદ વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આર્ટસ ફેકલ્ટીએ તૈયારી બતાવી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દરેક વિભાગમાં બેઠકોની સંખ્યા ઘટાડવામાં આવી હોવાના કારણે પહેલા લિસ્ટમાં રેકોર્ડબ્રેક ટકાવારીએ પ્રવેશ અટકયો છે.બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે એક પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.
પહેલુ લિસ્ટ બહાર પડયા બાદ હવે ફેકલ્ટી ડીને રજિસ્ટ્રારને પત્ર લખીને જણાવ્યુ છે કે, વિદ્યાર્થી સંગઠનો વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગણી કરી રહ્યા છે.આ સંગઠનોની માંગણી અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રવેશ માટે લાયક છે તેવા વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.આ માટે યુનિવર્સિટી સત્તાધીશો જરુરી ગાઈડલાઈન પૂરી પાડે.
ઉલ્લેખનીય છે કે, આર્ટસ ફેકલ્ટીમાં પહેલી પ્રવેશ યાદી જાહેર કરવામાં પણ સત્તાધીશોએ છબરડા વાળ્યા હતા.જેના કારણે ગઈકાલે નવેસરથી પહેલુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ.જોકે તેમાંથી પહેલા પ્રવેશ લિસ્ટમાં સામેલ ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓની બાદબાકી કરી નાંખવામાં આવતા ભારે હોબાળો થયો હતો.ફેકલ્ટી ડીને આ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવા માટે તૈયારી બતાવી છે અને યુનિવર્સિટી સત્તાધીશોની મંજૂરી માગી છે.
વડોદરાના વિદ્યાર્થીઓ માટે આર્ટસમાં પણ બેઠકો અનામત રાખવામાં આવે તેવી માંગ સાથે આજે યુવા શક્તિ ગુ્રપ અને ઓલ સ્ટુડન્ટ યુનિયન દ્વારા ફેકલ્ટીમાં દેખાવો પણ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, ફેકલ્ટી સત્તાધીશોએ ૧૫૦૦ જ બેઠકો પર પ્રવેશ આપ્યો હોવાથી વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ છે.
કોમર્સમાં તો વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે આર્ટસમાં પણ આંદોલન ભડકે તેવી સ્થિતિ સર્જાતા ફેકલ્ટી ડીને મોડે મોડે પણ પોતાની ભૂલ સુધારવાની તૈયારી બતાવી છે.
બેઠકો ઘટાડી દેવાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી
પહેલા લિસ્ટમાં આર્કિઓલોજીમાં ૯૨ અને સાયકોલોજીમાં ૯૦ ટકાએ પ્રવેશ અટકયો
હિન્દીને બાદ કરતા એક પણ વિભાગ એવો નથી જ્યાં ૭૦ ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય
એક તરફ ઉંચુ પરિણામ આવ્યુ છે તેમ છતા ફેકલ્ટીએ બેઠકો ઘટાડી નાંખી હોવાથી પહેલી પ્રવેશ યાદી બહાર પડયા બાદ જનરલ કેટેગરીમાં કોઈએ કલ્પના ના કરી હોય તેટલા ટકાએ પ્રવેશ અટકયો છે.તેની સાથે સાથે અનામત કેટેગરીમાં પણ ઘણી ઉંચી ટકાવારીએ પ્રવેશ અટકયો છે.અત્યાર સુધી સત્તાધીશો ૨૦૦૦ કરતા વધારે બેઠકો પર પ્રવેશ આપતા હતા ત્યારે આ વર્ષે માત્ર ૧૫૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનો આશ્ચર્યજનક નિર્ણય ફેકલ્ટી સત્તાધીશોએ લીધો હતો.આ નિર્ણય લેતા પહેલા ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપકોની સાથે ચર્ચા વિચારણા પણ નહોંતી કરાઈ. ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, સરકારના નિયમ પ્રમાણે એક વર્ગમાં ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે.આમ દરેક વિભાગમાં ઓછામાં ઓછી ૧૩૦ બેઠકો તો રાખી શકાય તેમ હતી.છતા સત્તાધીશોએ કેટલાક વિભાગોમાં ૩૦ અને ૪૦ જેવી બેઠકો જ રાખી છે.જેની અસર પ્રવેશની ટકાવારી પર પડી છે.જેમ કે આર્કિઓલોજીમાં ૯૨.૪ ટકાએ તો સાયકોલોજીમાં ૯૧.૮૦ ટકાએ પ્રવેશ અટકયો છે.સોશિયઓલોજીમાં ૮૯.૬ ટકાએ પ્રવેશ અટકયો છે.જે વિભાગોમાં પહેલા કોઈ પ્રવેશ નહોતુ લેતુ તેમાં પણ પ્રવેશ ૭૦ ટકાથી નીચે અટકયો નથી.
કયા વિભાગમાં કેટલા ટકાએ પ્રવેશ(જનરલ કેટેગરી)
આર્કિઓલોજી ૯૨.૪
ઈકોનોમિક્સ ૮૪.૪
ઈંગ્લિશ ૮૬.૨
ફ્રેન્ચ ૮૬.૨
જિઓગ્રાફી ૯૦.૨
ગુજરાતી ૭૭
હિન્દી ૫૩.૨
હિન્દુ સ્ટડીઝ ૭૭.૮૬
હિસ્ટ્રી ૮૭.૧૪
લિંગ્વિસ્ટિક ૮૫.૧૩
મરાઠી ૭૩.૮
પર્શિયન ૭૪.૮૬
ફિલોસોફી ૮૬.૨
પોલિ.સાયન્સ ૮૭.૬૦
સાયકોલોજી ૯૧.૮૦
રશિયન ૭૦
સંસ્કૃત ૮૦.૪
સોશિયોલોજી ૮૯.૬
કયા વિભાગમાં કેટલી બેઠકો
આર્કિઓલોજી ૪૦
ઈકોનોમિક્સ ૨૬૦
ઈંગ્લિશ ૨૬૦
ફ્રેન્ચ ૩૦
જિઓગ્રાફી ૬૦
ગુજરાતી ૨૬૦
હિન્દી ૨૬૦
હિન્દુ સ્ટડીઝ ૬૦
હિસ્ટ્રી ૧૩૦
લિંગ્વિસ્ટિક ૩૦
મરાઠી ૩૦
પર્શિયન ૩૦
ફિલોસોફી ૬૦
પોલિ.સાયન્સ ૧૩૦
સાયકોલોજી ૧૨૦
રશિયન ૫૦
સંસ્કૃત ૬૦
સોશિયોલોજી ૬૦