આર્ટસના સત્તાધીશોએ દસ્તાવેજ ચકાસણી પહેલા ઓનલાઈન ફી ભરવાનો વિકલ્પ આપ્યો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશને લઈને ચાલી રહેલી ભાંજગડ યથાવત છે.
સામાન્ય રીતે પ્રવેશ યાદી જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટસની ચકાસણી કરાવવાની હોય છે અને જો દસ્તાવેજો બરાબર હોય તો વિદ્યાર્થી ફી ભરી શકે છે.આર્ટસ ફેકલ્ટી સત્તાધીશોએ પ્રવેશ કાર્યવાહીમાં ઉલટુ કર્યુ છે.પહેલી પ્રવેશ યાદીમાં જેમના નામ જાહેર થયા છે તેમને ઈ મેઈલ થકી એક લિન્ક મોકલીને પહેલા ઓનલાઈન ફી ભરી દેવા માટે અને પછી દસ્તાવેજોની ચકાસણી કરાવવા માટેનુ સૂચન કરવામાં આવ્યુ છે.આ પ્રકારના નિર્ણય સામે ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.
ઓલ સ્ટુડન્ટ યુનિયન સંગઠનના પ્રિન્સ રાજપૂતનુ કહેવુ છે કે, વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા બાદ ફી ભરવાનો વિકલ્પ પણ અપાયો છે.આ માટેની છેલ્લી તારીખ ૨૬ જૂન છે.પહેલા ઓનલાઈન ફી ભરવાનૂ સૂચન ખાસ બહારગામના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરાયુ છે.જેઓ તાત્કાલિક ટિકિટ બૂક કરાવીને ડોક્યુમેન્ટ ચકાસણી માટે પહોંચી શકે તેમ નથી.જો વિદ્યાર્થી પહેલા ફી ભરે અને ડોક્યુમેન્ટ યોગ્ય ના હોય અને પ્રવેશ ના મળે તો શું તેની કોઈ સ્પષ્ટતા સત્તાધીશોએ કરી નથી.
ખરેખર તો સત્તાધીશોએ પહેલા ફી ભરાવવાની જગ્યાએ બહારગામના વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ ચકાસણીનો સમય લંબાવવાની જરુર છે.ઉપરાંત જીકાસના પોર્ટલના નિયમો આર્ટસમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી સાબિત થઈ રહ્યા છે.કારણકે વિદ્યાર્થીઓને પહેલી યાદીમાં ગમતા વિષયમાં પ્રવેશ ના મળ્યો હોય અને તેમણે બીજી પ્રવેશ યાદી સુધી રાહ જોવી હોય તો એડમિશન કેન્સલ કરાવવાનુ રહે છે.વિદ્યાર્થી જો એડમિશન કેન્સલ ના કરાવે તો બીજી પ્રવેશ યાદીમાં તેને તક મળતી નથી.જો એડમિશન કેન્સલ કરાવે અને બીજી યાદીમાં તેને ગમતા વિષયમાં પ્રવેશ ના મળે તો તે એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થાય છે.આ મુદ્દા પર પણ સરકારે ધ્યાન આપવાની જરુર છે.