આર્ટસ ફેકલ્ટીએ બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર કરી, વિદ્યાર્થીઓને ઓફર લેટર મળ્યા નથી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
આર્ટસ ફેકલ્ટીએ બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર કરી, વિદ્યાર્થીઓને ઓફર લેટર મળ્યા નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી બાદ આર્ટસ ફેકલ્ટીએ જીકાસના ટાઈમ ટેબલ પ્રમાણે એફવાયમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવા માટેની પ્રવેશ યાદી શનિવારે મોડી રાત્રે જાહેર કરી છે.મળતી જાણકારી પ્રમાણે આર્ટસ ફેકલ્ટીના તમામ વિષયોમાં બીજી યાદીમાં પ્રવેશની ટકાવારી પહેલી યાદીના મુકાબલે સરેરાશ પાંચ થી ૬ ટકા નીચે ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આર્ટસ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડમાં ૪૫૦ જેટલા જ વિદ્યાર્થીઓએ ફી ભરી છે.સામાન્ય રીતે આર્ટસ ફેકલ્ટીમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે એફવાયમાં પ્રવેશ લેતા હોય છે પણ આ વર્ષે જીકાસના પોર્ટલ થકી થયેલી પ્રવેશ કાર્યવાહી બાદ પ્રવેશ લેનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.હવે બીજા રાઉન્ડમાં પ્રવેશ લેનારાની ફી  ભરાયા બાદ વધુ કેટલી બેઠકો ભરાઈ તે સ્પષ્ટ થશે. આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી સંગઠનો  વડોદરાના તમામ વિદ્યાર્થીઓને આર્ટસમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.આવતીકાલે, સોમવારે વિદ્યાર્થી સંગઠનોએ દેખાવો કરવાની પણ ચીમકી આપેલી છે.

જ્યારે કોમર્સ ફેકલ્ટીએ બીજા રાઉન્ડની યાદી બહાર પાડયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી શરુ પણ કરી દીધી છે.આજે ૧૫૦૦ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા હતા.જેમાંથી ૮૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આવતીકાલે, સોમવારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી ચાલુ રહેશે.જોકે આ બે દિવસ દરમિયાન જે વિદ્યાર્થીઓ વેરિફિકેશન ના કરાવી શક્યા હોય તેઓ પણ તા.૩  જુલાઈ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને ફી ભરી શકશે.બીજા રાઉન્ડના વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની છેલ્લા તારીખ ૩ જુલાઈ છે.

આર્ટસમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને હજી ઓફર લેટર મળ્યા નથી 

આર્ટસ ફેકલ્ટીમાં બીજી પ્રવેશ યાદી તો બહાર પડી ગઈ છે પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને હજી ઓફર લેટર મળ્યા નથી.આ સબંધે ફેકલ્ટીના સૂત્રોએ કહ્યુ હતુ કે, ઈન્ટરનેટની સમસ્યાના કારણે   કેટલાક વિભાગોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ઓફર લેટર મળી શક્યા નથી પણ તે કાલ સુધીમાં  વિદ્યાર્થીઓ સુધી પહોંચી જશે.



Google NewsGoogle News