વડોદરા: કૃત્રિમ તળાવોમાં પણ ફુલહાર નાખતા ગંદકીનું સામ્રાજ્ય કોર્પોરેશન માટે માથાનો દુખાવો
વડોદરા,તા.6 સપ્ટેમ્બર 2022,મંગળવાર
વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશ પર્વ નિમિત્તે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ચાર ઝોનમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે પૂજાપા સહિતની સાધન સામગ્રી માટે કુંડ સહિતની વ્યવસ્થા પણ અલગથી ઊભી કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક ગણેશ ભક્તો દ્વારા તળાવમાં પૂજાપા સહિતની સાધન સામગ્રી પધરાવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ગોરવા, હરણી, નવલખી અને ગુરુકુળ એમ ચાર સ્થળોએ કૃત્રિમ તળાવ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં વિસર્જનની સાથે પૂજાપા સહિતની સાધન સામગ્રી કલેક્ટ કરવા અલગથી પીપળા મૂકી જરૂરી સુવિધા પણ ઉભી કરી છે. ખાસ કરીને હરણી તળાવ ખાતે ગણેશ ભક્તોના સહકારથી કૃત્રિમ તળાવ સ્વચ્છ રહ્યું છે. પરંતુ નવલખી ખાતે વિરોધાભાસ દ્રશ્યો સામે આવ્યા છે. ગણેશ ભક્તોએ પૂજાપા સહિતનો સામાન અલગ રાખવાના સ્થાને તળાવમાં પધરામણી કરતા ગંદકીનો ફેલાવો થયો છે. અને ગંદકી વચ્ચે શ્રીજી ની પ્રતિમાઓનું વિસર્જન થતા ધાર્મિક લાગણી બાબતે સવાલો ઊભા થયા છે.