એઆઈનો દુરુપયોગ માનવ સભ્યતા માટે ખતરનાક પૂરવાર થઈ શકે છેે: ઈસરો ચેરમેન

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
એઆઈનો દુરુપયોગ માનવ સભ્યતા માટે ખતરનાક પૂરવાર થઈ શકે છેે: ઈસરો ચેરમેન 1 - image

વડોદરાઃ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ માનવ સભ્યતા માટે ખતરનાક પરિણામ લાવી શકે છે તેવી ચેતવણી ઈસરોના ચેરમેન એસ.સોમનાથે આપી હતી.

વડોદરામાં યોજાયેલી સાતમી ગુજરાત છાત્ર સાંસદમાં હાજરી આપવા માટે આવેલા ચંદ્રયાન મિશનની સફળતાના નાયક એવા એસ સોમનાથે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આપણા જીવનમાં એઆઈનો પ્રવેશ મોબાઈલ અને કોમ્પ્યુટર થકી થઈ ચુકયો છે.આપણુ સતત મોનિટરિંગ થઈ રહ્યુ છે.આપણો ડેટા ક્યાંક ને ક્યાંક એકત્રિત થઈ રહ્યો છે.શક્ય છે કે, ભવિષ્યમાં ઘણા બધા નિર્ણયો એઆઈનો ઉપયોગ કરીને લેવાય પણ જે રીતે દરેક ટેકનોલોજીના સારા અને ખરાબ પાસા છે તેવુ જ એઆઈનુ પણ છે.જો તેનો વિવેક પૂર્ણ ઉપયોગ નહીં થયો તો માનવ સભ્યતા માટે તે ખતરનાક સાબિત થશે.

 ઈસરો ભારતના પહેલા અવકાશયાત્રીને સ્પેસમાં મોકલવાની તૈયારી કરી રહ્યુ છે.આ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, ગગનયાન મિશનની એક મહત્વની ટ્રાયલ તાજેતરમાં લેવાઈ હતી.આગામી સમયમાં બીજી ત્રણ મહત્વની ટ્રાયલ હાથ ધરાશે.૨૦૨૫માં માણસને અવકાશમાં મોકલવાનુ લક્ષ્યાંક સમયસર પાર પડશે.

એસ.સોમનાથે અન્ય એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભારતના વિદ્યાર્થીઓ પરદેશ જાય છે તે માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ વાપરવો યોગ્ય નથી.ભારત ૧૪૦ કરોડ લોકોનો દેશ છે અને નાના શહેરોમાં પણ પ્રતિભાશાળી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંખ્યા નાની નથી.ઈસરોની પણ વાત કરવામાં આવે તો ભલે આઈઆઈટીના વિદ્યાર્થીઓ વધારે પગારના કારણે બીજી કંપનીઓમાં નોકરી કરતા હોય પણ ઈસરોમાં કામ કરવા માંગતા યુવાઓનો તોટો નથી.ઈસરોની ૧૫૦ થી ૨૦૦ જગ્યાઓ માટે અમને સરેરાશ દોઢ લાખ જેટલી અરજીઓ મળતી હોય છે.નાના શહેરો કે ગામડાઓમાંથી અને મધ્યમવર્ગ કે ગરીબ પરિવારમાંથી આવતા યુવાઓ કામ પ્રત્યે વધારે સમર્પિત હોય છે અને તેના કારણે તેઓ સફળ પણ થતા હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, નાસા અને ઈસરો સંયુક્ત  રીતે કામ કરી રહ્યા છે.આવા જ એક જોઈન્ટ પ્રોજેકટમાં બંને સંસ્થાઓ જે સેટેલાઈટ લોન્ચ કરવાની છે તેના કારણે દર પંદર દિવસે પૃથ્વીની સેટેલાઈટ ઈમેજિસ લેવી શક્ય બનશે.જેમાં ધરતીના પેટાળમાં થતી હીલચાલ, ધરતી પર બરફનુ પ્રમાણ, જંગલોનુ કદ, પાણીનો જથ્થો જેવી ઘણી જાણકારીઓ ભારત અને અમેરિકાને ઉપલબ્ધ થશે.

ધાર્મિક સૌહાર્દ ના જળવાય તેવુ પણ ક્યારેક બનતુ હોય છે 

ધર્મગુરુ કલ્બે રશૈદ રિઝવીએ કહ્યુ હતુ કે, કોઈ પણ દેશમાં જ્યારે વસતી વધે અને સમાજનુ વિસ્તરણ થાય ત્યારે કાયમ સૌહાર્દ જળવાય તે જરુરી નથી.મહત્વની બાબત એ છે કે, આગ લાગી હોય ત્યારે દેશના લોકોની જવાબદારી આગમાં તેલ રેડવાની નહીં પણ પાણી નાંખીને આગ બુઝાવવાની છે.જો દેશમાં બેકારી, મોંઘવારી જેવી સમસ્યાઓ ઉકેલાતી હોય તો દેશને ભલે હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો મળતો.તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહી.

બાળકોના સંસ્કાર પર સોશિયલ મીડિયાનો પ્રભાવ 

આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક બી કે શિવાનીએ કહ્યુ હતુ કે, બાળકો તેમની આસપાસ જે જોતા હોય છે તેનો પ્રભાવ તેમના પર પડતો હોય છે.આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સહિતના ઘણા પરિબળો છે જે બાળકોના સંસ્કાર અને વિચારધારા પર પ્રભાવ પાડી રહ્યા છે અને તેના કારણે જ બાળકોના અભ્યાસમાં પણ હવે આધ્યાત્મિકતા અને મેડિટેશન જરુરી બની રહ્યા છે.

બ્રિટિશ કાળની  યુપીએસસી પરીક્ષા સિસ્ટમ બદલવાની જરુર

યુપીએસસી પરીક્ષાની તૈયારી માટેના જાણીતા કોચ અવધ ઓઝાએ કહ્યુ હતુ કે, બ્રિટિશ કાળથી ચાલતી આવતી યુપીએસસીની પરીક્ષાની સિસ્ટમ હવે બદલવાની જરુર છે .વર્તમાન સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી છે અને મને વિશ્વાસ છે કે, યુપીએસસીની પરીક્ષા પધ્ધતિમાં પણ આ સરકાર ભવિષ્યમાં ધરખમ ફેરફારો કરશે.

ધાર્મિક સ્થળોને મનની પીડા દૂર કરનારા સ્થળો તરીકે જોવા જોઈએ 

ઈસ્કોન સાથે જોડાયેલા આધ્યાત્મિક માર્ગદર્શક ગૌરાંગ દાસ પ્રભુએ કહ્યુ હતુ કે, હવે માનસિક સ્વાસ્થ્યનુ પણ મહત્વ વધી ગયુ છે.માનસિક પરેશાનીઓના કારણે દેશમાં રોજ ૪૦૦ લોકો આત્મહત્યા કરે છે.તણાવને કોઈ ધર્મ નથી હોતો.લોકોનુ માનસિક સ્વાસ્થ્ય સુધરશે તો દેશનો માહોલ પણ સુધરશે.આ માટે આપણે દેશના તમામ ધર્મના ધાર્મિક સ્થળોને મનની પીડા દૂર કરનારા સ્થળો તરીકે જોવા જોઈએ.



Google NewsGoogle News