લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડોદરામાં અર્ધ લશ્કરી દળોનું આગમન
વડોદરાઃ લોકસભાની ચૂંટણીને આડે ચાર દિવસ રહ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને પુરતો બંદોબસ્ત ગોઠવવા તૈયારી કરી લેવામાં આવી છે.આ માટે બહારના અર્ધ લશ્કરી દળોનું વડોદરામાં આગમન થયું છે.
આગામી તા૭મીએ યોજાનારી લોકસભાની ચૂંટણી તેમજ ત્યારબાદ મતગણતરી દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા પોલીસ બંદાબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વડોદરામાં બંદોબસ્ત માટે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસની એક કંપની,તામિલનાડુ સ્ટેટ આર્મ્સ ફોર્સની એક કંપની,ચંદીગઢ સ્ટેટ રીઝર્વ પોલીસની એક કંપની તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સની એક એક કંપનીનું આગમન થયું છે.આ ઉપરાંત વડોદરામાં અગાઉથી હાજર એસઆરપીની ત્રણ કંપનીઓની સાથે વધુ બે કંપની માંગવામાં આવી છે.
બહારની પોલીસને ભૌગોલિક સ્થિતિનો ખ્લાલ આવે તે હેતુથી સ્થાનિક પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળો સાથે સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના 1400 પોલીસ કર્મી આસપાસના જિલ્લાઓમાં ફરજ બજાવશે
વડોદરા શહેરમાં ચૂંટણીને કારણે બહારની પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે ત્યારે બીજીતરફ વડોદરા શહેરના ૧૪૦૦ જેટલા પોલીસ જવાનો ચૂંટણી દરમિયાન ફરજ બજાવવા માટે વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો અને દાહોદ જિલ્લામાં મોકલવામાં આવનાર છે.
સ્ટ્રોંગરૃમ ફરતે થ્રી લેયરનો બંદોબસ્ત, BSFને બોલાવી
વડોદરા શહેરમાં મતદાન થયા બાદ પોલીટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૃમમાં મતપેટીઓ રાખવામાં આવતી હોય છે.આ જ સ્થળે મતગણતરી પણ કરવામાં આવનાર છે.જેથી પોલીટેકનિક કોલેજ ખાતે થ્રી લેયરનો બંદોબસ્ત રાખવામાં આવશે. જેમાં સ્ટ્રોંગરૃમ પાસે બીએસએફ,ત્યારબાદ એસઆરપી અને છેલ્લે બહારની બાજુએ સ્થાનિક પોલીસ તૈનાત રહેશે.