વડોદરામાં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી ગાળો બોલનાર શખ્સની ધરપકડ
- પત્ની સાથે ત્રણ વર્ષ પહેલા થયેલા છૂટાછેડા બાદ માનસિક હતાશ થયેલા પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ગાળો બોલતા રાવપુરા પોલીસે તેને ધરપકડ કરી છે
વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર
ગત 26મી તારીખે પોલીસ કંટ્રોલરૂમમાં બપોરે 3:30 થી 04:00 વાગ્યાના અરસામાં ઇમરજન્સી 100 નંબર પર કોલ આવતા મહિલા કોન્સ્ટેબલે તે ફોન રિસીવ કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ સરનામું કે કોઈ હકીકત જણાવ્યા વગર જ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. બે અલગ અલગ નંબર પરથી તેણે આ રીતે ઇમર્જન્સી નંબર પર ગાળો દીધી હતી. જે અંગે મહિલા કોન્સ્ટેબલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાવપુરા પોલીસે ગુનો દાખલ કરીને ફોન કરનાર મધુકર મંગળભાઈ પાટીલ ઉંમર વર્ષ 47 રહેવાસી સાફલ્ય આર્કેડ ડભોઇ રોડ મૂળ રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે બે વર્ષ પહેલા પત્ની સાથે તેના છૂટાછેડા થઈ ગયા હતા અને પોલીસ કેસ થયો હતો. ત્યારબાદ તે ડિપ્રેશનમાં રહેતો હતો અને તેના કારણે જ તેણે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને આ રીતનું વર્તન કર્યું હતું.