પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કરી ગાળો બોલનાર શખ્સની ધરપકડ
પોલીસમાં રજૂઆત કરીને પત્ની જતી રહ્યાનો રોષ ઉતારવા કોલ કરતો હતો
વડોદરા,પોલીસ સ્ટેશનમાં પતિ સામે રજૂઆત કરનાર પત્ની છોડીને જતી રહેતા નારાજ થયેલા પતિએ પોતાનો રોષ કાઢવા માટે ૧૦૦ નંબર પર કોલ કરીને ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત ૨૬મી તારીખે પોલીસ કંટ્રોલરૃમમાં બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ઇમરજન્સી ૧૦૦ નંબર પર કોલ આવતા મહિલા કોન્સ્ટેબલે તે ફોન રિસીવ કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ સરનામું કે કોઈ હકીકત જણાવ્યા વગર જ ગાળો બોલવાનું શરૃ કરી દીધું હતું. બે અલગ અલગ નંબર પરથી તેણે આ રીતે ઇમર્જન્સી નંબર પર ગાળો દીધી હતી. જે અંગે મહિલા કોન્સ્ટેબલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુનો દાખલ થતા મળેલા મોબાઇલ નંબરના આધારે પોલીસે તપાસ શરૃ કરી હતી. ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી કે, તેનું લોકેશન ડભોઇ રોડ કપુરાઇ ચોકડીથી રતનપુર ગામની વચ્ચે આવ્યું હતું. જેથી, પોલીસે બાતમીદાર થકી તપાસ કરતા આરોપી ડભોઇ રોડ રતનપુર ગામ નજીક સાફલ્ય આર્કેડમાં એક દુકાનમાં ગોળી બિસ્કીટ વેચવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે ત્યાં જઇને તપાસ કરતા પોલીસને જોઇને આરોપી બે મોબાઇલ ફોન લઇને ભાગવાની કોશિશ કરતો હતો. પરંતુ, પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે કંટ્રોલ રૃમમાં ફોન કરનાર મધુકર મંગાભાઈ પાટીલ ઉં.વ.૪૭ (રહે. સાફલ્ય આર્કેડ, ડભોઇ રોડ મૂળ રહેવાસી મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, અગાઉ તે સુરતના કીમ ખાતે રહેતો હતો. તેની પત્ની પોલીસમાં તેની સામે રજૂઆત કરીને જતી રહેતા તેનો રોષ ઉતારવા તે આ રીતે કંટ્રોલ રૃમમાં કોલ કરતો હતો.
મહારાષ્ટ્રના નાસિક પોલીસ કંટ્રોલ રૃમમાં પણ કોલ કર્યા હતા
વડોદરા, પોલીસે આરોપીના મોબાઇલના ડેટાની ચકાસણી હાથ ધરતા એવી વિગતો મળી હતી કે, છેલ્લા બે મહિનામાં તેણે શહેર ઉપરાંત સુરત શહેર તથા ગ્રામ્ય, નાસિક સિટિ તેમજ ગ્રામ્ય, ઇગતપુરા, કીમ, ઓલપાડ, જે.પી.રોડ, બાપોદ, શી ટીમ વગેરે સ્થળે કોલ કર્યા હતા. રાવપુરા પોલીસે આરોપીની અટક કરી મોબાઇલ ફોન કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.