કંપનીમાંથી ચોરીને રો મટિરિયલમાં સપ્લાય કરતા આરોપીની ધરપકડ
ખાંસીની સિરપ બનાવવામાં વપરાતા રો મટિરિયલનો પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવામાં પણ ઉપયોગ
વડોદરા,ભરૃચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવામાં વપરાતા ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. તે કેસમાં વડોદરા સીઆઇડી ક્રાઇમે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના વધુ એક સપ્લાયરને સીઆઇડીએ ઝડપી પાડયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,ત્રણ દિવસ પહેલા વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ધરપકડ કરી હતી.આ રો મટિરિયલનો ઉપયોગ મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન બનાવવામાં ઉપયોગ થાય છે. આ કેસની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઇમે હાથ ધરી સંડોવાયેલા આરોપીઓની ધરપકડ શરૃ કરી છે. ગઇકાલે આ કેસમાં પોલીસે વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર અબ્દુલ કાદરી ઐયુબભાઇ મણીયાર (રહે. મસ્જિદ ફળિયું, સુલતાનપુરા, ઝઘડિયા, જિ.ભરૃચ) તથા બ્રિજકુમાર રમેશભાઇ પટેલ ( રહે.શ્વેત એપાર્ટમેન્ટ, અંકલેશ્વર)ની ધરપકડ કરી હતી. જ્યારે રો મટિરિયલ સપ્લાય કરનાર આરોપી મનોજ પ્રતાપભાઇ ગાર્ગે ( રહે. વાપી, મૂળ રહે. સાંગલી મહારાષ્ટ્ર)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી. એચ.એમ.ચૌહાણે હાથ ધરેલી તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, મહારાષ્ટ્રના સોલાપુરના મહાડ વિસ્તારમાં રહેતો ૩૮ વર્ષના વિભીષણ મારૃતિભાઇ નિકમ આ જ વિસ્તારની એક કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તે ફેક્ટરીમાં કફ સિરપ બનાવવામાં ઉપયોગમાં લેવાતું રો મટિરિયલ બનાવાય છે. તેનો ઉપયોગ પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવામાં પણ થાય છે. આરોપી જે ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ત્યાંથી જ તેણે ૩.૮૦૦ કિલો વજનનું રો મટિરિયલ ચોરીને અગાઉ પકડાયેલા આરોપી રાકેશને સપ્લાય કર્યુ હતું.