પ્રતિબંધિત ડ્રગ્સના રો મટિરિયલમાં સપ્લાયરની ધરપકડ
સીઆઇડીએ ૭.૬૦ લાખનું રો મટિરિયલ કબજે કર્યુ હતું : બે વચેટિયા પણ ઝડપાયા
વડોદરા,ભરૃચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવામાં વપરાતા ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. તે કેસમાં વડોદરા સીઆઇડી ક્રાઇમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ધરપકડ કરી હતી.આ રો મટિરિયલનો ઉપયોગ મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન બનાવવામાં ઉપયોગ થાય છે. જેની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી. એચ.એમ.ચૌહાણ કરી રહ્યા છે. આ કેસમાં વચેટિયા તરીકને ભૂમિકા ભજવનાર અબ્દુલ કાદરી ઐયુબભાઇ મણીયાર (રહે. મસ્જિદ ફળિયું, સુલતાનપુરા, ઝઘડિયા, જિ.ભરૃચ) તથા બ્રિજકુમાર રમેશભાઇ પટેલ ( રહે.શ્વેત એપાર્ટમેન્ટ, અંકલેશ્વર)ની ધરપકડ કરી છે. જ્યારે રો મટિરિયલ સપ્લાય કરનાર આરોપી મનોજ પ્રતાપભાઇ ગાર્ગે ( રહે. વાપી, મૂળ રહે. સાંગલી મહારાષ્ટ્ર)ની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુનાની વધુ તપાસ માટે સીઆઇડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.