ખાતેદારના એકાઉન્ટમાં ચેડાં કરી રૃ.1.58 કરોડનું નુકસાન કરનાર સિટિ યુનિયન બેન્કનો પૂર્વ મેનેજર પકડાયો
વડોદરાઃ ખાતેદારના એકાઉન્ટમાં ચેડાં કરી રૃ.૧.૫૮ કરોડનું નુકસાન કરવાના ગુનામાં ગોરવા પોલીસે રેસકોર્સની સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજરની ધરપકડ કરી છે.આ પહેલાં પણ મેનેજર ફાનીકુમાર સામે રૃ.૪૫ લાખની રકમ વગે કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.
હાલોલ ખાતે ફેક્ટરી ધરાવતા વિજયભાઇ પટેલે ફરિયાદમાં કહ્યું હતું કે,કોવિડ દરમિયાન રેસકોર્સની સિટિ યુનિયન બેન્કના મેનેજર ફાનીકુમારે મારી લોન રદ કરી હતી.મેં તેમના પર ભરોસો કરી આપેલા ચેકોનો તેમણે દુરુપયોગ કર્યો હતો.મારા ખાતામાંથી રૃ.૧.૦૪ કરોડ જુદાજુદા ખાતામાં ટ્રાન્સફર થતાં આ રકમ મેં પરત માંગી હતી.જેથી ફાનીકુમારે હેવિંગ એન્જિનિયર્સના ખાતામાંથી મારા ખાતામાં રૃ.૨.૩૦ કરોડ જમા કરાવતાં મારા ખાતામાં રૃ.૧.૨૬ કરોડ વધારે જમા થયા હતા.
વિજયભાઇએ કહ્યું હતું કે,ત્યારબાદ થોડા જ સમયમાં ફાનીકુમારે આ રકમ જુદાજુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.તેમની બદલી થતાં બેન્કના નવા અધિકારીઓએ મને બોલાવી હેવિંગ એન્જિનિયર્સના ખાતામાં રૃ.૧.૫૮ કરોડ ભરાવ્યા હતા.જેથી મને આ રકમનું નુકસાન થયું હતું.
ગોરવા પોલીસના પીઆઇ કિરિટ લાઠિયાએ આ ફરિયાદ અંગે ફાનીકુમાર એમ. (રહે.વાસ્તુવિહાર,સેક્ટર-૧૬,ખારધર,નવી મુંબઇ,હાલ રહે.રિગલ હાઇટ્સ ઇન્દૌર અને મૂળ આંધ્રપ્રદેશ)ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી છે.