છાણીમાં મિત્રની હત્યા કર્યા બાદ લૂંટેલી વીંટી ખરીદનારની ધરપકડ,જેલમાં રવાના
વડોદરાઃ છાણી વિસ્તારમાં રૃ.૬૦ હજાર માટે હાથીખાનાના હનીફ શેખની ઘાતકી હત્યા કરવાના બનાવમાં મરનારની લૂંટી લેવાયેલી સોનાની ત્રણ વીંટી ખરીદનારને પણ પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે,ચાર દિવસના રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓ પાસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
છાણી ગુરુદ્વારા સામે કરોડિયા તરફ જતા માર્ગ પર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ગઈકાલે હાથીખાના ગેંડાફળિયામાં રહેતા હનિફ શેખ નામના યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી.જે બનાવની તપાસમાં હનિફની નજીકમાં રહેતા મિત્ર ઝાકીર શેખ,ઝાકીરના પુત્ર હુસેન અને હુસેનના મિત્ર અયાજ મલેકની ધરપકડ કરવામાં આવી હતી.
એસીપી ડી જે ચાવડા અને છાણીના પીઆઇ એ પી ગઢવીએ આરોપીઓની પૂછપરછ કરતાં ઇલેકટ્રિકનું છુટક કામ કરતા ઝાકીરે બે વર્ષ પહેલાં હનિફ પાસે રૃ.૬૦ હજાર લીધા હોવાની અને કેટલીક રકમ ચૂકવી પણ દીધી હોવાની વિગતો ખૂલી હતી. આરોપીઓને આજે સ્થળ પર લઇ જઇ બનાવનું રિકન્સ્ટ્રક્શનકરાવવામાં આવ્યું હતું.
દરમિયાનમાં મરનારે પહેરેલી સોનાની ત્રણ વીંટીઓનો ભેદ ઉકેલાયો છે.હત્યા કર્યા બાદ લૂંટી લીધેલી વીટી પાણીગેટના અવેશ અબ્દુલકાદીર સિન્ધીએ(માસુમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો,પાણીગેટ)રૃ.૨૦ હજારમાં ખરીદી હોવાની વિગતો મળતાં પોલીસે તેને પણ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.જોકે તેને આ વીંટી લૂંટની છે તેની જાણ નહિં હોવાનું પોલીસે કહ્યું હતું.પકડાયેલા આરોપીને કાર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
પુત્ર અને તેના મિત્રએ હનિફને પકડી રાખ્યો,ઝાકીરે મિત્રના ગળે ઘા ઝીંક્યા
છાણી થી કરોડિયા જતા રોડ પર ખેતરમાં હનિફ શેખની થયેલી હત્યાના બનાવમાં ઝાકીરે મુખ્ય ભૂમિકા ભજવી હોવાની માહિતી બહાર આવી છે.
પોલીસે આજે ઝાકીર શેખ,તેના પુત્ર હુસેન અને તેના મિત્ર અયાઝને સાથે રાખી બનાવ કેવી રીતે બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
જે દરમિયાન મરનાર હનિફને યોજના પૂર્વક બોલાવ્યા બાદ ઝઘડો કરી હુસેન શેખ અને તેના મિત્ર અયાઝે પકડી રાખ્યો હોવાની અને ઝાકીર શેખે તેના મિત્રના ગળે ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હોવાની વિગતો જાણવા મળી હતી.