વિરોધ રોકવા વીજ કંપનીના અધિકારીઓ દ્વારા અવનવા હથકંડા : ધરપકડ અને સ્માર્ટ મીટર નહીં લગાવો તો 10,000 ની પેનલ્ટીની ધમકી
Smart Meter Controversy Vadodara : સ્માર્ટ સીટી વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં શહેરભરમાં ઠેર ઠેર શરૂ થયેલા આક્રોશને દબાવવા માટે વીજ નિગમ દ્વારા હવે પોલીસનો સહારો લેવાઈ રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે હાલમાં આચાર સંહિતા લાગુ હોવા સંદર્ભે બીક બતાવીને આંદોલનકારોને સ્માર્ટ મીટરનો વિરોધ કરતા રોકવાની કોશિશ કરતી હોવાની શક્યતા સેવાય રહી છે.
શહેરમાં અકોટા વિસ્તારથી સ્માર્ટ મીટર અંગે શરૂ થયેલા વિરોધની આગ ધીમે ધીમે શહેરભરમાં પ્રસરી રહી છે. તાજેતરમાં આ વિસ્તારની અસંખ્ય સોસાયટીના રહીશોનું મસ્ત મોટું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરીએ ઘસી ગયું હતું. સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો વીજ નિગમ કચેરીએ થયા હતા. આ ઉપરાંત રિચાર્જ ખતમ થઈ જતા ગમે ત્યારે વીજ નિગમ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવતું હોવાના પણ આક્ષેપ હતા. રિચાર્જ કેવી રીતે કરવું એ અંગે પણ સામાન્ય વર્ગના લોકોને કોઈ જાતની સમજણ પણ આપવામાં આવી નથી.
વીજ નિગમ કચેરીવાળા ગમે ત્યારે આવે છે અને રનીંગ વીજ બીલ યેનકેન પ્રકારે માંગી લેતા હોય છે. ઇન્કાર કરનાર સ્થાનિક રહીશને એવી બીક બતાવવામાં આવે છે કે જો તમે સ્માર્ટ મીટર નહીં લગાવો તો ભવિષ્યમાં વીજ નિગમ કચેરી દ્વારા રૂપિયા 10 હજાર જેવો દંડ કરવામાં આવશે તેમ કહીને લોકોને ડરાવવામાં આવતા હોવાના પણ ટોળાએ આક્ષેપો કર્યા હતા.
સ્માર્ટ મીટર લગાવવાથી તોતિંગ બિલ વધારો થતો હોવાના મુદ્દે અકોટા બાદ ફતેગંજમાં પણ સ્થાનિક રહીશોએ વીજ નિગમ કચેરીએ હંગામો મચાવ્યો હતો. જ્યાં પહોંચેલા ભાજપના કાર્યકરોએ વિસ્તાર મુજબ કમિટી બનાવવાની માંગ કરી હતી અને તેમના રીવ્યુ જાણ્યા બાદ જ પબ્લિક સાથે મીટીંગ યોજીને સ્માર્ટ મીટર લગાવવા જોઈએ એવી માંગ કર્યા બાદ સ્માર્ટ 20 મીટરના વિરોધે શહેરના અન્ય વિસ્તારમાં પણ ઉશ્કેરાટ વધ્યો હતો. દિનપ્રતિદિન સ્માર્ટ મીટર અંગે વીજ નિગમ સામે થતા હોબાળાથી બચવા વીજ અધિકારીઓએ પોલીસ તંત્રનો સહારો લીધો હોવાની બાબત નકારી શકાતી નથી. સ્માર્ટ વીજ મીટર આગામી દિવસોમાં શહેરના તમામ વીજધારકોના જૂના ડિજિટલ મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની વીજ નિગમની ખેવના છે.
નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી અગાઉ શરૂ થઈ ત્યારે વીજ અધિકારીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે આ બાબતે શહેરીજનોનો કોઈ પણ જાતનો વિરોધ થશે. આવી ધારણા વીજ નિગમના અધિકારીઓની ખોટી પડી અને સ્માર્ટ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવવા આવનારા વીજ નિગમ સંબંધિત માણસો સ્થાનિક રહીશ પાસેથી રનીંગ વીજબીલ માંગે છે અને સ્માર્ટ મીટર લગાવવાથી વીજ મીટરધારકને થનારા લાભ અંગે પણ ભરમાવવામાં આવે છે. દરમિયાન કોઈપણ વીજ ગ્રાહકનું ઘર બંધ હોય તેવા કિસ્સામાં બારોબાર સ્માર્ટ મીટર પણ લગાવી દીધાના કિસ્સા બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. દરમિયાન એવી પણ ચોકાવનારી વિગતો જાણવા મળી છે કે, સ્માર્ટ મીટર લગાવવા અંગે શહેરીજનોના ઠેર ઠેરથી શરૂ થયેલા વિરોધથી વીજ નિગમના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે પરંતુ નિયત સમયમાં કામગીરી પૂરી કરવાના ઇરાદે વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધને રોકવા અને વીજ નિગમ કચેરીએ એકત્ર થતા ટોળાને કારણે પોલીસની કામગીરી પણ વધી ગઈ છે.
એવા વખતે હવે વીજ નિગમ વિભાગ દ્વારા રજૂઆત કરવા આવનારાઓને અવનવી રીતો બતાવીને સામાજિક કાર્યકરોને પોલીસ વિભાગની આડકતરી રીતે ધાક ધમકીઓ આપતા સ્માર્ટ મીટર બાબતે રજૂઆત કરવા ટોળા રૂપે જનારા સામાન્ય રીતે સ્થાનિક પોલીસમાં જાણ કરાય છે ત્યારે જે તે પોલીસ મથકના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે, હાલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંગેનું જાહેરનામું અમલમાં છે. જેથી ટોળા સ્વરૂપે બહાર નીકળવાથી પોલીસ ધરપકડ પણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી એવું કહેવામાં આવે છે. પરિણામે ટોળા રૂપે સ્થાનિક વીજ કચેરીએ સ્માર્ટ મીટર અંગે રજૂઆત કરવા જનારાઓમાં ગભરાટ ફેલાય છે અને રજૂઆત કરવા જનાર આ વિષયથી ખસી જવાનું પસંદ કરતો હોય તો નવાઈ નહીં.
આમ હવે વીજ અધિકારીઓએ સ્માર્ટ મીટરના વિરોધને ખાળવા અવનવા હથકંડા અપનાવી રહ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી. ટોળા સ્વરૂપે વીજ કચેરીએ રજૂઆત કરવાથી જાહેરનામાના ભંગ અંગે પોલીસ ધરપકડ પણ કરી શકે છે એવી બીક બતાવવામાં આવે છે. પરિણામે રજૂઆત કરવા જનાર ટોળું ધરપકડની બીકે ગભરાઈને વિરોધ કરતા અટકી જાય છે. જોકે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરની આગ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસરે તો નવાઈ નહીં એવી પણ સંભાવના અસ્થાને નથી.