Get The App

વડોદરાના કમાટીબાગ ઝૂમાં હીટ-વેવ અને આકરા તાપથી પશુ-પંખીઓને રક્ષણ આપવા વ્યવસ્થા ગોઠવાઈ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગ ઝૂમાં હીટ-વેવ અને આકરા તાપથી પશુ-પંખીઓને રક્ષણ આપવા વ્યવસ્થા ગોઠવાઈ 1 - image


Kamatibaug Zoo Vadodara : છેલ્લા કેટલાક દિવસથી હિટ વેવ, સખત તાપ અને ગરમીના લીધે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને ગરમીમાં રાહત આપવા માટે વિશેષ કાળજી લેવાનું દર વર્ષની માફક ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ વખતે માર્ચ મહિનાના એન્ડમાં જ ગરમીનું આક્રમણ શરૂ થતાં ત્યારથી જ પશુ પક્ષીઓની કાળજી લેવાનું ચાલુ કર્યું હતું. પશુ-પક્ષીના પિંજરા ઉપર ગ્રીન એગ્રો નેટ, નાળિયેરી અને પામ ટ્રીના પાન તેમજ સૂકા ઘાસના પૂળા, ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવસમાં આ કામગીરી બે વખત કરવામાં આવે છે.

કોર્પોરેશન દ્વારા અપાતા પાણી પુરવઠાને ધ્યાનમાં રાખીને પાણી છટકાવ કરવામાં આવે છે. વધુ પાણી હોય ત્યારે ત્રણ વખત પણ આ કાર્ય કરાય છે. જેથી પાંજરાની નીચે પશુ પક્ષીઓને ઠંડક મળી રહે. આ સિઝનમાં પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય તેને ધ્યાનમાં રાખીને શક્કરટેટી, તડબૂચ, શેરડી, દ્રાક્ષ, કાકડી, કેરી વગેરે ખાસ આપવામાં આવે છે. પાણીમાં ઇલેક્ટ્રોલાઈટ પાવડર પણ ભેળવીને આપવામાં આવે છે. દીપડા, સિંહ, વાંદરા વગેરેને બરફના પીસ કરીને અપાય છે. જેથી કરીને તેઓ બરફ ચાટતા રહે અને તેના લીધે ઠંડક પણ મળતી રહે. બરફના ગાંગડા ચાટવા  લલચાય તે માટે ફીડ એનરિચ મેન્ટ ટ્રીટ પણ અપાય છે, એટલે કે બરફમાં કેળું, ચીકુ વગેરે જેવા ફ્રુટ ફ્રીઝ કરીને દેવાય છે. બહારથી બરફની અંદર આ ફ્રુટ જુએ એટલે બરફ ચાટવાની લાલચ રહે છે. આ વ્યવસ્થા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવી છે. ગરમીમાં શક્તિ મળી રહે તે માટે ડાયટ સપ્લીમેન્ટ પર વિશેષ ધ્યાન અપાય છે. પક્ષીઓના પિંજરામાં ફોગર્સ સ્પિંકલર રાખવામાં આવ્યા છે .હાલ પ્રાણીસંગ્રહાલયમાં ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ નથી. ટ્રોપિકલ કન્ટ્રીમાં વસવાટ કરતા પ્રાણીઓ વધુ છે એટલે ઠંડા પ્રદેશના પ્રાણીઓ જેટલી કાળજી લેવાની જરૂર રહેતી નથી. અગાઉ પ્રાણીસંગ્રહાલયમાં હિમાલયા રીંછ હતું, ત્યારે તેના માટે ઠંડક અને બરફની વિશેષ વ્યવસ્થા કરવી પડતી હતી. આ રીંછ ગયા વર્ષે ઉંમરને લીધે મૃત્યુ પામ્યું છે. આ ઉપરાંત પિંજરાની અંદર અને બહાર પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. વાઘ પાણીના હોજમાં પડીને ઠંડક મેળવતો રહે છે. જંગલી જાનવરોને ડોક્ટર દ્વારા નિયમિત સપ્લિમેન્ટ પૂરા પાડવાની સૂચના અપાઈ છે. વરસાદની સિઝન સુધી આ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે. પ્રાણીસંગ્રહાલયમાં નાના મોટા મળી આશરે 1200 પશુ પક્ષીઓ છે .


Google NewsGoogle News