ઠંડી વધતા કમાટીબાગના ઝુમાં પશુ-પક્ષીઓને ગરમાવો મળે તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ
- રાત્રે તાપણા કરાય છે
- પક્ષીઓના પિંજરા ફરતે નેટ બાંધી દેવાઈ છે
- સીઝનલ ફળ ફળાદી ખોરાકમાં આપવાનું શરૂ કરાયું
વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર
ઠંડી હવે ધીમે ધીમે વધી રહી છે અને રાત્રે ટેમ્પરેચર વધુ ઓછું થાય છે જેના કારણે કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓના પિંજરા ફરતે ગ્રીન એગ્રોનેટ પડદા બાંધવામાં આવ્યા છે અને સાંજ પડતા પિંજરા ઢાંકી દેવામાં આવે છે. વાંદરાઓને ટાઢ સામે ગરમાવો મળે તે માટે રોજ પિંજરામાં તાપણા કરવામાં આવે છે. વાઘ, સિંહ અને દીપડાને ત્રણ વર્ષથી નવા પિંજરામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, એટલે ત્યાં હવે તાપણાની જરૂર પડતી નથી, પરંતુ કંતાનમાં સૂકું ભુસુ ખાસ કરીને તેની ગાદી જેવું બનાવી પિંજરામાં રાખી દેવામાં આવે છે. જેના પર રાત્રે તેઓ સુઈને ગરમાવો મેળવી શકે છે. શાકાહારી પ્રાણીઓ હરણ વગેરેને પિંજરામાં દર એકાંતરે સૂકું ઘાસ નાખવામાં આવે છે. જેને તે ખાઈ પણ શકે છે અને સૂકા ઘાસ ઉપર રાત્રે સુઈ શકે છે.
પક્ષીઓનું શરીરનું તાપમાન માનવી કરતાં ચાર પાંચ ડિગ્રી વધુ હોય છે, એટલે તેઓ ઠંડી ઝીલી શકે છે. આમ છતાં પણ ઠંડી સામે તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જળચર પ્રાણીઓ માટે કોઈ વ્યવસ્થા કરવાની બહુ જરૂર રહેતી નથી. ઠંડી વધતા પશુ પંખીઓના ખોરાકમાં સીઝનલ ફળફળાદીનો વધારો કરવામાં આવ્યો છે. દાળમાં ગોળ નાખીને આપવામાં આવે છે. મધ પણ અપાય છે. જે પૌષ્ટિક ગણાય છે, અને ઠંડી સામે ગરમાવો મળી શકે છે. પ્રાણીસંગ્રહાલયમાં એકાદ હજારથી વધુ પશુ પંખીઓ છે. જેઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવામાં આવે છે, તેમ ઉનાળામાં ગરમી સામે ઠંડક મળી રહે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.