કારેલીબાગ અને ગોરવામાં સશસ્ત્ર હુમલાના બનાવોથી ભયનો માહોલ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
કારેલીબાગ અને ગોરવામાં સશસ્ત્ર હુમલાના બનાવોથી ભયનો માહોલ 1 - image

વડોદરાઃ કારેલીબાગ અને ગોરવા વિસ્તારમાં રાતે જાહેરમાં સશસ્ત્ર હુમલાના બનેલા બે બનાવોને કારણે ભયનો માહોલ સર્જાયો હતો.જે પૈકી ગોરવામાં બે વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી.બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધ્યો છે.

કારેલીબાગ વિસ્તારમાં બનેલા બનાવ અંગે  ફતેપુરા મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા નિરજ સોલંકીએ પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મારા ત્રણ મિત્રો સાથે બાઇક પર જનતા આઇસ્ક્રિમ ખાતે આવ્યો ત્યારે સામે થી બાઇક પર આવેલા ચાર થી પાંચ જણા મારી તરફ ધસી આવ્યા હતા.જેમાં એક પાસે ચપ્પુ અને બીજા પાસે પટ્ટો હતા.

હુમલાખોરે મારી પીઠ પર તેમજ અન્ય ભાગે ચપ્પુના ઘા ઝીંકતા હું પડી ગયો હતો.જેથી મારા પગે ચપ્પુ મારતાં તે અંદર ખૂંપી ગયું હતું.ત્યારબાદ મારો મિત્ર મને સારવાર માટે લઇ ગયો હતો અને આ ચપ્પુ પોલીસે કબજે કર્યું હતું.બનાવનું કારણ દોઢેક વર્ષ પહેલાં થયેલા ઝઘડાની હોવાનું માનવું છે.પરંતુ હુમલાખોરોના નામની જાણ નથી.કારેલીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં ગોરવા બાપુની દરગાહ પાસે રહેતા વિશાલભાઇ રાણાએ પોલીસેને કહ્યું છે કે,ગઇરાતે હું મારા મિત્રો સાથે હુસેની પાર્કમાં બેઠો હતો ત્યારે રિક્ષા અને બાઇક પર કેટલાક લોકો આવ્યા હતા અને સઇદ ક્યાં છે..તેવી બૂમો પાડી ગાળો દેતા હોઇ મેં ગાળો નહિં બોલવા કહ્યું હતું.જેથી તેમણે મારા પર તેમજ નરેશભાઇ પર પાઇપથી હુમલો કર્યો હતો અને સ્કૂટર તેમજ રિક્ષાને નુકસાન કર્યું હતું.પોલીસે આ અંગે સલમાન ઉર્ફે કસાઇ,સલમાન ઉર્ફે બોબો,વહિદ પઠાણ અને અરમાન સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News