એક સમયના પ્રતિષ્ઠિત આર્કિટેકચર વિભાગમાં હેડને બાદ કરતા તમામ અધ્યાપકો હંગામી

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
એક સમયના પ્રતિષ્ઠિત આર્કિટેકચર  વિભાગમાં હેડને બાદ કરતા તમામ અધ્યાપકો હંગામી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી છેલ્લા અઢી વર્ષથી બંધ છે અને બીજી તરફ દર વર્ષે સંખ્યાબંધ કાયમી અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે.જેની અસર યુનિવર્સિટીની કામગીરી અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ દેખાવી માંડી છે.ઘણા બધા વિભાગોની કાયમી અધ્યાપકોના અભાવે કફોડી સ્થિતિ બની રહી છે.

યુનિવર્સિટીનો આર્કિટેક્ચર વિભાગ તેનુ  સૌથી મોટુ ઉદાહરણ છે.એક સમયે ભારે પ્રતિષ્ઠિત ગણાતા આ વિભાગને ફેકલ્ટીનો દરજ્જો આપવાની માંગ પણ ભૂતકાળમાં થઈ હતી.અત્યારે એવી હાલત છે કે, આર્કિટેક્ચર વિભાગમાં એક માત્ર હેડને બાદ કરતા બીજા તમામ અધ્યાપકો હંગામી છે.

મળતી વિગતો પ્રમાણે આ વિભાગમાંથી છેલ્લા પાંચ વર્ષમાં એક પછી એક કાયમી અધ્યાપકો નિવૃત્ત થતા રહ્યા હતા અને હવે અધ્યાપકોની તમામ જગ્યાઓ ખાલી પડી છે. ૧૨ હંગામી અધ્યાપકો વડે વિદ્યાર્થીઓનુ શિક્ષણ ચાલી રહ્યુ છે.વિભાગના હેડ જ એક માત્ર કાયમી અધ્યાપક છે.

 વિદ્યાર્થીઓના શિક્ષણમાં હંગામી અધ્યાપકોના કારણે વિઘ્ન નથી આવી રહ્યુ પણ અન્ય ફેકલ્ટીઓની જેમ જો અહીંયા હંગામી અધ્યાપકોની નિમણૂંકમાં વિલંબ થાય તો વિદ્યાર્થીઓને ભણાવે કોણ તે પણ સવાલ છે.મળતી વિગતો અનુસાર આર્કિઓલોજી વિભાગમાંથી કોઈ વિદ્યાર્થી પીએચડીનો અભ્યાસ પણ કરી શકે તેમ નથી.કારણકે હંગામી અધ્યાપકો પીએચડી ગાઈડ બની શકતા નથી.વિભાગના હેડ ડો.ભાવના વાસુદેવને ગાઈડ બનવા માટે અરજી કરી છે પણ હજી સુધી તેમની અરજીને યુનિવર્સિટી સ્તરેથી મંજૂરી આપવામાં આવી  નથી.આમ વિભાગના વિદ્યાર્થીઓ અન્ય કોલેજો કે યુનિવર્સિટીઓમાં જઈને પીએચડી કરી રહ્યા છે.


Google NewsGoogle News