યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં હજી હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર થયા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયના વિદ્યાર્થીઓના ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયા છે અને બીજી તરફ હંગામી અધ્યાપકોને નિમણૂકના ઓર્ડર હજી સુધી આપવામાં આવ્યા નથી.જેના કારણે વિદ્યાર્થીઓનુ શિક્ષણ પ્રભાવિત થવાની શક્યતાઓ છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં તો હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ હજી પણ ચાલી રહ્યા છે તો જે ફેકલ્ટીઓમાં ઈન્ટરવ્યૂ પૂરા થઈ ગયા છે અને ઉમેદવારની પસંદગી થઈ ગઈ છે તે ફેકલ્ટીઓમાં ઉમેદવારોને નિમણૂંકના લેટર મળ્યા નથી.
સૂત્રોનુ કહેવુ છે કે, આ વખતે પણ ૫૦૦ કરતા વધારે હંગામી અધ્યાપકોની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કેટલાક વિભાગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી આ વિભાગોમાં હંગામી અધ્યાપકોની પોસ્ટ પણ ઘટાડી દેવામાં આવી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, નવી સિસ્ટમ પ્રમાણે ઈન્ટરવ્યૂ યોજાયા બાદ યુનિવર્સિટીનો એકેડમિક વિભાગ ઉમેદવારની પસંદગીને મંજૂરી આપે છે અને એ પછી ફાઈલ વાઈસ ચાન્સેલર પાસે જાય છે.વાઈસ ચાન્સેલર મંજૂરી આપે તે બાદ જ હંગામી અધ્યાપકની નિમણૂંક થાય છે.આ વખતે તો હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂમાં એક્સપર્ટસને પણ દહેરાદૂન, કોલકાતા, ચેન્નાઈ જેવા સ્થળોએથી બોલાવવામાં આવ્યા છે.એકસપર્ટસને આવવા જવા માટે એર ટિકિટ આપવામાં આવે છે તેમજ તેમને હોટલમાં રાખવાનો ખર્ચ પણ કરવો પડે છે.આમ આ વખતે ફેકલ્ટીઓ પર હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂના ખર્ચનુ ભારણ પણ વધી ગયુ છે.