વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક આવે તે માટે કન્સલ્ટન્ટની નિમણૂક
Vadodara Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેરનો નંબર વર્ષ 2023માં 33મો હતો. તેના આગલા વર્ષે 14મો નંબર હતો. ત્રણ વર્ષ અગાઉ વડોદરા આઠમા સ્થાને હતું. વડોદરા સ્વચ્છતા ક્ષેત્રે ટોપ થ્રીમાં અસંખ્ય પ્રયાસો છતાં હજુ પહોંચી શક્યું નથી. હવે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આગળ આવે તે માટે કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર પણ કરી છે.
સ્વચ્છ ભારત મિશનના પ્રથમ તબકકાને ધ્યાને લઇ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2જી ઓકટોબર, 2021ના રોજ સ્વચ્છ ભારત મિશન-2 લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં ભારત સરકારે સસ્ટેનેબલ સેનિટેશન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આઈ.ઈ.સી એક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ મુખ્ય ઘટક તરીકે નક્કી કરેલા છે. સસ્ટેનેબલ ડેવલ્પમેન્ટ ગોલ્સ-2030ને સિધ્ધ કરવા માટે સરકાર તમામ શહેરોને કચરા મુક્ત અને જળ સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.10-07-2023 નાં રોજ "સ્વચ્છ સર્વેક્ષણ-2024" ની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં કુલ 9500 માર્કસનું મૂલ્યાંકન કરવામાં આવશે. આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા શહેર ઉચ્ચ ક્રમાંક હાંસિલ કરે તે હેતુથી સ્વચ્છ ભારત મિશન-2 અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ, ગાર્બેજ ફ્રી સીટી સર્ટિફિકેશન, ઓપન ડેફિકેશન ફ્રી સર્ટિફિકેશન, નિર્મળ ગુજરાત-2, સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા તથા જરૂરી ડોક્યુમેન્ટશનની કામગીરી કરવી પડશે. આ માટે ભારતનાં અગ્ર ક્રમાંકિત શહેરો જેવા કે ઈન્દોર, સુરત, અમદાવાદની જેમ કન્સલ્ટિંગ એજન્સીનો ટેકનિકલ સપોર્ટ લેવા વિચાર્યું છે. આ માટે ઈન્દોરની કન્સલ્ટિંગ એજન્સી 1.16 કરોડના ખર્ચે નિયુક્ત કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.