આણંદ સિંચાઈ વિભાગની કચેરીમાં વચેટિયાઓના લીધે અરજદારો હેરાન
જિલ્લા કલેક્ટરના પરિપત્રની ઐસીતૈસી
અનઅધિકૃત વ્યક્તિ પાસે મોકલી નાણા અને સમયનો વ્યય કરાવાતો હોવાનો આક્ષેપ
આણંદ: તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓની ૧૦૦ મીટર ત્રિજયામાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા છતાં આણંદ સિંચાઇ વિભાગ કચેરીમાં પરિપત્રની ઐસી કી તૈસી થઈ રહેલી જોવા મળી હતી. આણંદ સિંસાઈ વિભાગની કચેરીમાં વચેટિયાઓના રાજથી અરજદારો પરેશાન થવા સાથે રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર ગમેતેટલા સરકારી બાબુઓને કાયક્ષમ બની પ્રજા સમસ્યા ઉકેલની તાકિદ કરે, પરંતુ આણંદ કલેકટર કચેરીની પાસે આવેલી કાર્યપાલ ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા અરજદારોને બિનજરૂરી નિયમો બતાવીને જાણીજોઈને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કર્મચારીના જોહુકમી ભર્યા નિર્ણય તથા કામમાં વિલંબની નીતિ અપનાવીને અરજદારોને પરેશાન કરાઈ રહ્યા હોવાથી રજદારો રોષે ભરાયા છે.
શાખામાં અરજદારોનું સીધું કામ પતાવવાના બદલે પોતાની સાથે સાંઠગાંઠ ધરાવતા એજન્ટો પાસે અરજદારોને મોકલવામાં આવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કચેરીમાં સાવ સીધા કામ માટે આવતા અરજદારોને કચેરીના અધિકારી દ્વારા દલાલો પાસે મોકલી નાણાં અને સમય બંનેનો વ્યય કરવામાં આવતો હોવાના આક્ષેપો કેટલાક અરજદારો કરી રહ્યા છે. નાના કામ માટે મોટો વ્યવહાર ન કરાય તો અરજી ફાઈલ દફતરે કરી તેવાનું પણ એજન્ટો કહી બિનજરૂરી પુરાવા માંગી હેરાન પણ કરે છે.
આ અંગે કેટલાક અરજદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હોવા છતાં કાર્યપાલ ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી સામે કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે અનઅધિકૃત પ્રવૃત્તિ અટકાવી પરિપત્રનું ચુસ્ત પાલન કરાવાય તેવી અરજદારો માંગણી કરી રહ્યા છે.