રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ વેપારીઓને દુકાનો પર રોશની કરવા અને ધ્વજ લગાવવા અપીલ
વડોદરાઃ વડોદરાના વેપારીઓએ પણ તા.૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરુ કરી છે.આ દિવસે વેપારીઓ દ્વારા મહાઆરતીનુ આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.
વેપારી સંગઠન કેટ(કોનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)ના ગુજરાત અને વડોદરા ચેપ્ટર દ્વારા વેપારીઓને દુકાનો પર ભગવા ધ્વજ લગાવવા માટે અને દુકાનો પર શણગાર કરવા માટે અપીલ કરવામાં આવી છે.કેટના આગેવાન પરેશ પરીખનુ કહેવુ છે કે, વડોદરાના ૭૦ જેટલા વેપારી સંગઠનોને આ માટે સંદેશો મોકલવામાં આવ્યો છે.વેપારીઓને દુકાનો પર રોશની કરવા માટે, શક્ય હોય તો બજારોમાં હોર્ડિંગ લગાવવા માટે , જાહેર સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનુ મોટા સ્ક્રીન પર લાઈટ ટેલિકાસ્ટ કરવા માટે તેમજ બજારમાં જો કોઈ મંદિર હોય તો તેને શણગારવા માટે અપીલ કરવામાં આવી છે.
તેમણે કહ્યુ હતુ કે, આમ તો સોમવારે મોટાભાગની દુકાનોમાં રજા હોય છે પણ આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને વેપારીઓને દુકાનો પર ડેકોરેશન માટે અપીલ કરવામાં આવી છે.
સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા
આજે સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાનું આયોજન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેરની સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તા.૧૭ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન રામોત્સવના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.જેમાં તા.૧૭ જાન્યુઆરીએ શહેરના પ્રદર્શન મેદાન(કીર્તિ સ્તંભ) ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી ચાર વાગ્યા સુધી સનાતન ધર્મ વિજય યાગનુ આયોજન કરાયુ છે.એ પછી સાંજે ચાર વાગ્યે સનાતન ધર્મ વિજય યાત્રા નીકળશે.વિજય યાત્રામાં અયોધ્યા મંદિર, લાઈવ શો, રામજી મંદિર, શિવજી પ્રતિમા, સીતા સ્વયંવર, સીતા હરણ જેવા વિવિધ ફ્લોટ પણ આકર્ષણનુ કેન્દ્ર બનશે તેમ શિવ પરિવારના અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યુ હતું.
આ યાત્રા કીર્તિસ્તંભથી શરુ થઈને માર્કેટ ચાર રસ્તા, ન્યાય મંદિર, ગાંધી નગર ગૃહ થઈને અમદાવાદી પોળ ખાતે સમાપ્ત થશે.સાંજે સાત વાગ્યે પોલોગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી અને રાવણ દહન કરવામાં આવશે.