હરણી એરપોર્ટ પર એપોલો કંપનીના મેનેજરની બેગમાંથી કારતૂસ મળતાં ધરપકડ
વડોદરાઃ વડોદરાની એપોલો કંપનીના બ્રાન્ચ મેનેજરના હરણી એરપોર્ટ ખાતેના લગેજ ચેકિંગ દરમિયાન જીવતી કારતૂસ મળી આવતાં ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ તેમજ સેન્ટ્રલની એજન્સીઓ દોડતી થઇ હતી.હરણી પોલીસે મેનેજરની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
હરણી એરપોર્ટ પર રવિવારે બપોરે ગોવા જતી ફ્લાઇટના પેસેન્જરોના લગેજનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક બેગમાં શંકાસ્પદ ચીજ જણાતાં સિક્યુરિટી જવાન કુલદીપ અમીપરાએ તપાસ કરી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.તપાસ દરમિયાન બેગમાં એક સેવિંગ પાઉસમાં K.F. ે૭.૬૫ લોગો વાળી જીવતી કારતૂસ મળી આવી હતી.
બનાવને પગલે ડીસીપી પન્ના મોમાયા, હરણી પીઆઇ સીબી ટંડેલ ઉપરાંત એટીએસ, આઇબી,સીઆઇએસએફ સહિતના અધિકારી ઓ દોડી આવ્યા હતા અને વિગતો મેળવતાં લગેજ લઇ જનાર પેસેન્જરનું નામ સુમિત કુમાર સતિષકુમાર સિંગ(૩૬)(રહે. સમસારા એપાર્ટમેન્ટ,છાણી જકાતનાકા મૂળ રાંચી,બિહાર) હોવાનું ખૂલ્યું હતું.
સુમિતકુમારની પૂછપરછ દરમિયાન તે એપોલો કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાની અને ગોવામાં સેલ્સની કોન્ફરન્સમાં જતો હોવાની માહિતી જાણવા મળી હતી.સેવિંગ કિટમાં કારતૂસ કેવી રીતે આવી તેની તે મુદ્દે તે અજાણ હોવાનું કહ્યું હતું.આ કિટ બિહારમાં રહેતા તેના એક્સ આર્મીમેન અંકલે આપી હોવાથી તેમની હોઇ શકે તેમ કહ્યું હતું.પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.