ખાસવાડી સ્મશાન ગૃહમાં ત્રણ ચિતા કામચલાઉ ધોરણે બનાવવા કોર્પોરેશન નું ઉદાસીન વલણ
શહેરમાં સૌથી મોટું ખાસવાડી સ્મશાન છે. આ સ્મશાનમાં હાલ 15 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. કામગીરી બે તબક્કામાં થવાની છે. કામ ચાલુ હોવાથી અંતિમવિધિ માટે ચિતાની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે. જેના લીધે મૃતદેહ લઈને આવતા લોકોને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. આવું ન થાય તે માટે અગાઉ ત્રણ ચિતા કામ ચલાઉ ધોરણે ઉભી કરવા રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ચિતા બનાવવા થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાર પછી કામગીરી ઠપ થઈ ગઈ છે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ કોર્પોરેશનના તંત્ર દ્વારા ચિતા બનાવવા થાંભલા ઉભા કર્યા છે, પરંતુ હવે કોની રાહ જોઈ રહ્યા છે તે સમજાતું નથી. તંત્ર ઉદાસીન છે, પરંતુ તેના કારણે અંતિમ વિધિ માટે આવતા લોકો ની હાલત દયનીય બની જાય છે. હાલ માત્ર 6 ચિતા છે .જેમાંથી ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાઈ છે, જ્યારે બે સંસ્થા દ્વારા મુકાઈ છે.
કોર્પોરેશન તો હાલ ખાસવાડી સ્મશાનની કામગીરી ચાલુ હોવાથી અંતિમ ક્રિયા માટે બીજા સ્મશાન ગૃહોનો ઉપયોગ કરવા કહે છે, પરંતુ અન્ય સ્મશાનોમાં લાકડા ,છાણાં કે અન્ય બીજી કોઈ સુવિધા નહીં હોવાથી લોકો છેવટે ખાસ વાડી સ્મશાન ગૃહ જ આવે છે. હજુ તાજેતરમાં જ ચિતા નહીં હોવાથી અંતિમવિધિ માટે જમીન પર પતરા ગોઠવીને તેના પર લાકડા રાખી અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાના દ્રશ્યો બહાર આવ્યા હતા. જે ગેસ ચિતાઓ હતી, તે પણ બંધ કરી દેવામાં આવી છે. નવીનીકરણની કામગીરી લાંબી ચાલવાની હોવાથી સ્મશાન ગૃહમાં જે ખુલ્લી જગ્યા છે ,ત્યાં કામ ચલાઉ ધોરણે નવી ચિતા ઉભી કરવા રજૂઆત કરતા ત્રણ ચિતા બનાવવાની તંત્રએ તૈયારી બતાવી હતી, પરંતુ તંત્ર હાલ ઉદાસીન છે.