કેમિકલના ધંધામાં નફાની લાલચ આપીને લાખોની છેતરપિંડીના કરનાર ઠગના આગોતરા નામંજૂર
અમદાવાદ રહેતા મૂળ અંકલેશ્વરના પિતા-પુત્રએ લોકો પાસેથી રૃ.1.72 કરોડથી વધુ પડાવી લીધા બાદ હાથ અધ્ધર કરી દીધા
વડોદરા : કોરોનાકાળમાં જ્યારે માનવજગત જીવ બચાવવા ઝઝુમી રહ્યું હતું ત્યારે અંકલેશ્વરના પિતા-પુત્રએ લોકોને ઠગવાના નવા નવા બહાના શોધી રહ્યા હતા. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે જ દગો કરીને આ પિતા-પુત્રએ લાખો રૃપિયા ખંખેરી લીધા બાદ પૈસા પરત આપવા માટે હાથ અધ્ધર કરી દેતા તેની સામે સીઆઇડીએ તપાસ શરૃ કરી છે.ત્યારે ભાગતા ફરતા આરોપી પૈકી પુત્રએ વડોદરા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.
સગા-સંબંધીઓ અને મિત્રો સાથે જ દગો કર્યો : હવે સીઆઇડીના સકંજામાં
સીઆઇડી ક્રાઇમે આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે કીહીલ અને તેના પિતા રાજેશ પટેલે તેના સગા-સંબંધી અને મીત્રો સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે. જેમાં અંકલેશ્વર તાલુકાના અંદડા ખાતે રહેતા રેગ્નેશ પટેલ અને તેના બહેન રીતેક્ષા અમીન સાથે ૮.૬૬ લાખની, ભરૃચ જિલ્લાના શુક્લતીર્થ ખાતે રહેતા ડાહ્યાભાઇ ગોરધનભાઇ પટેલ (માછી) સાથે રૃ.૮ લાખની, અમદાવાદ, ઘાટલોડિયા વિસ્તારમાં શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા નરસિંહભાઇ પ્રહ્લાદભાઇ પટેલ સાથે રૃ.૧૫ લાખની, મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે રહેતા સુરેશભાઇ બાલુભાઇ પટેલ સાથે રૃ. ૫૦ લાખની અને મહિસાગર જિલ્લાના પાંડરવાડા ખાતે રહેતા ચિરાગ જગદીશભાઇ પટેલ સાથે રૃ.૧૦ લાખ મળીને આશરે રૃ.૧.૭૨ કરોડની છેતરપિંડી કરી છે.