વડોદરા નજીકના રતનપુર ગામમાં દારૂની રખેવાળી કરતી બૂટલેગરની પત્નીના આગોતરા જામીન નામંજૂર
image : Freepik
- મહિલા સામે અગાઉ આઠ ગુનાઓ નોંધાયા છે : તડિપાર માટેની દરખાસ્ત પણ થઇ છે
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા નજીક આવેલા રતનપુરના નામચીન બૂટલેગરને ત્યાં પોલીસે દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે દારૂની રખેવાળી કરતી બૂટલેગરની પત્ની ફરાર થઇ ગઇ હતી. જે ગુનામાં તેની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
વડોદરા ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામના નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલે રતનપુર ગામની રેલ્વે ફાટક પાસે પોતાનું મકાન જે ભાડે આપ્યું હતું તે મકાનની બાજુમાં બોરડીઓની ઝાડીઓમાં તેમજ ડાર્ક ભૂરા રંગની કારમાં દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલો છે તેવી બાતમી વરણામા પોલીસને મળતા પોલીસે ખાનગી વાહનમાં પહોંચીને દરોડો પાડયો હતો. આ દરમિયાન કાર પાસે ઊભેલી રાકેશ ઉર્ફે લાલાની પત્ની સીમા પોલીસને જોઈ સોસાયટીની સાંકડી વળાંકવાળી ગલીઓમાંથી ભાગી ગઈ હતી.પોલીસે ઝાડીઓમાંથી અને કારમાંથી દારૂની 419 બોટલો કબજે કરી કુલ રૂા.4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સીમા જયસ્વાલે આગોતરા જામીન મેળવવા માટે અદાલતમાં કરેલી અરજી નામંજૂર થઇ છે. સરકાર તરફે વકીલ ડી.જે.નાળિયેરીવાળાએ રજૂઆત કરી હતી. એડિશનલ સેશન્સ જજ આર.એચ.પ્રજાપતિએ નોંધ્યું હતું કે, તપાસ કરનાર અધિકારીનું સોગંદનામુ ધ્યાને લેતા મહિલા સામે અગાઉ આઠ ગુના નોંધાયા છે. તેમજ તડિપાર માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જો જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરીથી આ પ્રકારના ગુનાઓ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.