સાસુ, સસરા, સાળી અને સાઢુભાઇની આગોતરા જામીન અરજી નામંજૂર
પિતાને ઇમેલ કરીને પોતાની અંતિમ ચિઠ્ઠી જીવન ટૂંકાવતા પહેલા મોકલી હતી
વડોદરા,પત્ની, સાસુ,સસરા, સાળી અને સાઢુભાઇના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો હતો. અંતિમ ક્રિયા પછી પતિના પિતાએ પુત્રના સાસરિયાઓ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સામેલ આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.
પંજાબના મોહાલી ખાતે રહેતા હરિરામ શ્રીબનવારીલાલ વાલ્મિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા દીકરા અંશુલકુમાર સિંઘના લગ્ન જુલાઇ - ૨૦૧૬માં પૂનમ જગદીશભાઇ લિંબાચીયા (રહે. ઘનશ્યામ નગર, લીંકરોડ,ભરૃચ) સાથે થયા હતા. મારો દીકરો તેની પત્ની અને દીકરી સાથે વડોદરામાં સૂર્ય દર્શન ટાઉનશિપની પાછળ મેપલ એવન્યુમાં રહેતો હતો અને શેર ટ્રેડિંગની કંપનીમાં નોકરી કરતો હતો. પત્ની, સાસુ, સસરા, સાળી અને સાઢુભાઇના ત્રાસથી કંટાળીને મારા દીકરાએ જીવન ટૂંકાવી દીધુું હતું. આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે સાસુ સ્મિતાબેન, સસરા જગદીશભાઇ લિંબાચીયા ( બંને રહે. ઘનશ્યામ નગર, ભરૃચ) તથા સાળી મીરાબેન તથા સાઢુભાઇ વિમેશ હરિભાઇ ગોહિલે ( બંને રહે.ખડકી ફળિયું, લાખી ગામ, ભરૃચ) કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ આર.એચ.ત્રિવેદીએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ડી.જે.નાળિયેરીવાળાએ રજૂઆતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, મરનારે ઇમેલ કરી પોતાની અંતિમ ચિઠ્ઠી પિતાને મોકલી હતી. જેમાં સાસરીવાળાના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. પુત્રની અંતિમ વિધિ પૂરી કર્યા પછી પિતાએ ફરિયાદ નોંધાવી હતી.