યુવકના આપઘાતના કેસમાં બે ભાઇઓની આગોતરા જામીન અરજી નામંજૂર
Image Source: Freepik
બે મહિના પછી લગ્ન હોવાથી યુવકે ઉઘરાણી કરી હતી: કોર્ટની બહાર જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો
વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર
બે મહિના પછી લગ્ન હોવાથી રૃપિયાની ઉઘરાણી કરનાર યુવકે પિતા અને બે પુત્રના અપમાનજનક વર્તાવને કારણે કોર્ટ ની બહાર ઝેરી દવા પી લેતા મોત થયું હતું. આ કેસમાં સામેલ બે પુત્રોની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
વડોદરા તાલુકાના સમીયાલા ગામે બસસ્ટેન્ડ વાળા ફળિયામાં રહેતા અને રિક્ષા ચલાવતા લિયાકતઅલી સૈયદે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પુત્ર સેફહુસેન ઉર્ફે સેફુને અમારા નજીક રહેતા શબ્બીરઅલી તેમજ તેના બે પુત્ર નવાઝ અને શહીદ સાથે રૃપિયાની ઉઘરાણીના મુદ્દે વાતચીત ચાલતી હતી.
સેફુના તા.૧૪ - ૦૪ - ૨૦૨૪ ના રોજ લગ્ન હોવાથી શબ્બીરઅલી પાસે ગીરો કરારના આપેલા રૃ.૧૫.૩૦ લાખની ઉઘરાણી કરી હતી.જેથી ગઇ તા.૧૫મી ફેબુ્રઆરીએ શબ્બીર અને તેના બે પુત્રોએ સેફુને ચેક બાઉન્સના કેસમાં સમાધાન માટે કોર્ટમાં બોલાવ્યો હતો. તેઓએ
સેફુ સાથે બોલાચાલી કરી રૃપિયા નહિં મળે,થાય તે કરી લેજે..અમે કોર્ટ કચેરી કે કેસથી ડરતા નથી,તારે મરવું હોય તો મરીજા..તેમ કહેતાં સેફુને લાગી આવ્યું હતું . જેથી, સેફુએ કોર્ટની બહાર પાર્લર સામે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ કેસમાં નવાઝ અને શહીદે આગોતરા જામીન માટે કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ એન.પી.રાડીયાએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆત કરી હતી.