છાણી નાગરિક સહકારી બેન્કના પૂર્વ હોદ્દેદારોની આગોતરા જામીન અરજી
- 907 નવા સભાસદો પાસે વિકાસના નામે લાખો રૂપિયા પડાવી લીધા હતા
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
છાણી નાગરિક સહકારી બેન્કના પૂર્વ હોદ્દેદારોએ નવા સભાસદો પાસેથી નોંધણી ફી અને ગામના વિકાસના નામે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવાની પોલીસ ફરિયાદમાં જેલવાસ ટાળવા માટે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જેની વધુ સુનાવણી આગામી 1 લી નવેમ્બરે રાખવામાં આવી છે.
10 હજાર જેટલા સભાસદો ધરાવતી છાણી નાગરિક બેન્કમાં વર્ષ-1996 થી 1999 દરમિયાન પૂર્વ ડિરેક્ટરોએ નવા સભાસદો નોંધવા માટે જાહેરાત કરી હતી. જેમાં તેમણે દરેક પાસે સભ્ય ફી લેખે રૂ.507 અને ગામના વિકાસના નામે કેટલાક સભાસદો પાસે રૂ.6500 ઉઘરાવ્યા હતા. પૂર્વ ડિરેક્ટરોએ વિકાસના નામે ખોટી રીતે ઉઘરાવેલી રકમમાંથી છાણી ગ્રામ વિકાસ ટ્રસ્ટમાં રૂ.7.77 લાખ જમા કરાવ્યા હતા. જે રકમ આજે વ્યાજ સહિત રૂ.17.07 લાખ જેટલી થઇ છે. તેમણે કેટલા સભાસદો પાસેથી વિકાસના નામે રકમ ઉઘરાવી તેની ચોક્કસ માહિતી હજી મળી નથી.
ઉપરોક્ત બનાવ અંગે કેટલાક સભાસદોએ સોગંદનામું કરી રજૂઆત કરતાં રાજ્યના સહકાર વિભાગે પોલીસ ફરિયાદ કરવા આદેશ આપ્યો હતો. જેને આધારે બેન્કના મેનેજર વિનોદભાઇ પટેલે તત્કાલિન એમ.ડી.હેમેન્દ્ર અમીન, સેક્રેટરી અને અન્ય બે પૂર્વ ડિરેક્ટર સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં 14 વર્ષ પછી ગુનો દાખલ થયો હતો. આ કેસમાં સામેલ આરોપીઓ (1) પૂર્વ એમ.ડી. હેમેન્દ્ર સોમાભાઇ અમીન (રહે.શ્રીજી બંગ્લોઝ,છાણી કેનાલ રોડ) (2) પૂર્વ સેક્રેટરી ચંપક નટવરલાલ ઠક્કર (રહે.અમીન નગર,છાણી) (3) પૂર્વ ડિરેક્ટર મુકેશ રાજેન્દ્રભાઇ શાહ (રહે. અમીન નગર,છાણી) તથા (4) પૂર્વ ડિરેક્ટર મુકેશ શાન્તિલાલ ગાંધી (રહે.સ્વામિનારાયણ ટેનામેન્ટ,છાણી) દ્વારા આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.