૨૪ ગુનાનો ભૂતકાળ ધરાવતા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
આગોતરા જામીન આપવાથી આવા અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળશે : અદાલત
વડોદરા,કિશનવાડી વિસ્તારમાંથી પકડાયેલા ૨૬.૫૦ લાખના વિદેશી દારૃના કેસમાં નાસતા ફરતા લિસ્ટેડ બૂટલેગરની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
કિશનવાડી યોગી નગરમાં રહેતા આનંદ કિશનભાઇ કહારની ત્યાં પોલીસે રેડ કરીને વિદેશી દારૃની બોટલ અને બિયરના ટીન મળી કુલ નંગ ૯,૨૬૭ કિંમત રૃપિયા ૨૬.૦૬ લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. જે - તે સમયે પોલીસને જોઇને આનંદ કહાર, દિલીપ માછી તથા નાનકાભાઇ માછી ભાગી ગયા હતા. જ્યારે સ્થળ પરથી વસંદ સૂર્વે અને ચંદ્રકાંત રાજપૂત ઝડપાઇ ગયા હતા. આ કેસમાં તપાસ દરમિયાન દારૃ સપ્લાયર કરનાર બૂટલેગર નિલેશ હરેશભાઇ નાથાણી ઉર્ફે નિલુ સિન્ધી ( રહે. સર્જનમ રેસીકો, ખોડિયાર નગર ચાર રસ્તા) નું નામ ખૂલ્યું હતું. પોલીસ તેને શોધી રહી છે. ત્યારે નિલેશ નાથાણીએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે,પત્ની પ્રેગ્નન્ટ છે. તેની દેખરેખ રાખવા માટે કોઇ નથી. સરકાર તરફે વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી વિરૃદ્ધ ૨૪ ગુનાઓ નોંધાયા છે. બે વખત પાસાના હુકમ થયા છે. ન્યાયાધિશ એન.પી.રાડિયાએ અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ, તેની પત્નીના મેડિકલ રિપોર્ટ જોતા તે ગર્ભવતી હોવાનું જણાઇ આવે છે. પરંતુ, પોલીસ દ્વારા તા.૧૭ - ૧૨- ૨૦૨૩ ના રોજ લેવાયેલા તેની પત્નીના નિવેદન મુજબ,તેમના પતિ દારૃના કેસમાં જામીન પર છૂટયા પછી એક મહિના પહેલા ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ ક્યાં જતા રહ્યા છે. તેની ખબર નથી. આમ, આ બંને હકીકતો વિરોધાભાસી જણાય છે. આરોપીએ માત્ર કોર્ટની સહાનુભુતિ મેળવવા આ પ્રકારની રજૂઆત કરી હોવાનું જણાઇ આવતું હોય, તે સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહીં. આગોતરા જામીન આપવાથી આવા અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળશે. તેમજ સમાજ પર તેની વિપરીત અસર પડશે.