લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર
આરોપી સામે પોણા ત્રણ વર્ષ પહેલા ગુનો દાખલ થયો હતો
વડોદરા,લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી છેલ્લા પોણા ત્રણ વર્ષથી પકડાયો નથી.
ચિખોદ્રા ગામ મંદિરવાળા ફળિયામાં રહેતા પ્રવિણભાઇ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર - ૨૦૨૧ માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ચિખોદ્રા ગામમાં આવેલી જમીન આરોપી અલ્પેશ મફતભાઇ પટેલે ( રહે. આલોક સોસાયટી,વાઘોડિયા રોડ) ગત તા. ૨૮ - ૦૮ - ૨૦૧૭ ના રોજ બોગસ વેચાણ દસ્તાવેજ કરીને પચાવી પાડી હતી. ત્યારબાદ તે જમીનનો સોદો તેણે હરેશ રબારી તથા નરેશ રબારી ( બંને રહે. ગાજરાવાડી) સાથે કરી દીધો હતો. આ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા પોણા ત્રણ વર્ષથી અલ્પેશ પટેલ પકડાયો નહતો.
અલ્પેશ પટેલે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. મૂળ ફરિયાદીએ રજૂઆત કરી હતી કે, મારા દાદાનું અવસાન વર્ષ - ૧૯૬૭ માં થયું હતું. તેમ છતાંય વર્ષ - ૨૦૧૭ માં ખોટી વ્યક્તિ ઉભી કરી વેચાણ દસ્તાવેજ કર્યો છે. સરકાર તરફે વકીલ પી.સી.પટેલે પણ આરોપીની અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. એડિશનલ સેશન્સ જજ એમ.ડી.પાંડેય દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અદાલતે નોંધ્યું હતું કે, આરોપીની સ્પષ્ટ પ્રાઇમાફેશી ભૂમિકા જણાઇ આવે છે.