વડોદરામાં 15 મૂલ્યાંકન કેન્દ્રો પર 16 માર્ચથી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી
વડોદરાઃ લોકસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ધો.૧૨ના પરિણામો વહેલા જાહેર કરવાની કવાયત હાથ ધરી છે.
જેના ભાગરુપે બોર્ડની પરીક્ષાની સાથે સાથે જ ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પણ શરુ થઈ જશે.વડોદરામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૫ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવાનુ કામ ૧૬ માર્ચથી શરુ થનાર હોવાનુ જાણવા મળ્યુ છે.
શૈક્ષણિક સૂત્રોના કહેવા પ્રમાણે ધો.૧૦ માટે વડોદરા શહેર અને જિલ્લામાં આઠ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરાયા છે.ધો.૧૦ની ગુજરાતી, બેઝિક મેથ્સ, અંગ્રેજી, સમાજવિદ્યા વિષયની ઉત્તરવહીઓ વડોદરામાં તપાસાશે.આ માટે ૧૦૦૦ જેટલા શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ચાર અને ધો.૧૨ સાયન્સ માટે ત્રણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરુ કરાયા છે.ધો.૧૨ કોમર્સની એકાઉન્ટ, ઈકોનોમિક્સ તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તથા ધો.૧૨ સાયન્સમાં ફિઝિક્સની ઉત્તરવહીઓ તપાસવામાં આવશે.ધો.૧૨ માટે ૫૦૦ જેટલા શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવાનુ કામ સોંપવામાં આવ્યુ છે.
સૂત્રોનુ કહેવુ છે કે, ગ્રાન્ટેડ સ્કૂલોની સાથે સાથે ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ઉત્તરવહી તપાસવા માટે આદેશ અપાયો છે.તેની સાથે સાથે આ વખતે જ્ઞાાન સહાયક તરીકે નિમણૂંક પામનારા શિક્ષકોને પણ આ કામગીરીમાં સામેલ કરવા માટે આદેશ અપાયો છે.શક્ય હોય તેટલા વધારે શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવામાં સામેલ કરીને પરિણામ વહેલુ જાહેર કરવા માટે કામ થઈ રહ્યુ છે.
બોર્ડ પરીક્ષા પાસ કરી શકે તે માટે
૨૦ જેટલી સ્કૂલો નબળા વિદ્યાર્થીઓને રોજ બોલાવીને તૈયારી કરાવી રહી છે
વડોદરામાં આ વખતે બોર્ડ પરીક્ષા દરમિયાન ભણવામાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં રોજ બોલાવીને તૈયારીઓ કરાવવામાં આવી રહી છે.આ પ્રકારનો પ્રયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે.જેમાં વડોદરાની લગભગ ૨૦ જેટલી સ્કૂલો જોડાઈ છે.નબળા વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કરી શકે તે માટે ડીઈઓ કચેરી સાથે ચર્ચા વિચારણા દરમિયાન આ સ્કૂલોના આચાર્યોએ પરીક્ષા દરમિયાન પણ રોજ વિદ્યાર્થીઓને બે કલાક બોલાવીને પરીક્ષાનુ માર્ગદર્શન આપવાની સાથે સાથે ભણાવવા માટે સંમતિ આપી હતી.જેના કારણે આ સ્કૂલોમાં ધો.૧૦ અને ૧૨ના સંખ્યાબંધ વિદ્યાર્થીઓને દરેક પેપર માટે આગલા દિવસે તૈયારી કરાવવા માટે બોલાવાઈ રહ્યા છે.આ જ રીતે વડોદરાના ૮ શેલ્ટર હોમમાં રહેતા અને પરીક્ષા આપી રહેલા ૭૩ વિદ્યાર્થીઓને પણ વડોદરાના શિક્ષકો દરેક પેપર માટે જે તે શેલ્ટર હોમમાં આગલા દિવસે જઈને ભણાવી રહ્યા છે.