દહેગામનું વધુ એક ગામ કોલેરાગ્રસ્ત બહિયલના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ
ગ્રામ્યવિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ચિંતાનો વિષય
આરોગ્ય તંત્રએ ગામમાં ધામા નાંખી સર્વે હાથ ધર્યોઃપાણીની લાઇનમાં લીકેજ અને ગંદકી જોઇ અધિકારીઓ ચોંકી ઉઠયા
ગાંધીનગર શહેર અને જિલ્લામાં એક પછી એક જગ્યાએથી કોલેરાના
કેસ સામે આવી રહ્યા છે જે સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાની તથા
બેદરકારીની ચાડી ખાય છે. ઉચ્ચ અધિકારીઓ મિટીંગ બોલાવીને ગામોમાં સ્વચ્છતા રાખવા
અને પાણીનું ક્લોરીનેશન કરવાની સુચના આપે છે પરંતુ ગામોમાં પાણીની લાઇનોમાં લીકેજ
દૂર કરવામાં કોઇને રસ જ નથી. જેના કારણે એક પછી એક ગામો કોલેરાના રોગચાળાના
ભરડામાં આવી રહ્યા છે. ગઇકાલે બહિયલ ગામના યુવાનનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો
છે. આ બહિયલ ગામની વાત કરીએ તો ગામમાં ગંદકી જોઇને ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ જ
ચોંકી ગયા છે. આવી સ્થિતિમાં ગામમાં સ્વચ્છતા રાખવા માટે અને મળેલા લીકેજ દૂર કરવા
માટે આરોગ્ય વિભાગે સંબંધિત તંત્રને સુચના આપી છે. એટલુ જ નહીં, સમગ્ર ગામમાં હેલ્થ કર્મીઓ દ્વારા સર્વે કરીને ઓઆરએસના
પેકેટનું વિતરણ કરવાની સાથે ક્લોરીનની ટેબલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ
સાથે પાણીજન્ય રોગચાળો હોવાને કારણે હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં પાઇપલાઇનથી પાણીનો
પુરવઠો બંધ કરાવીને ત્યાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બહિયલમાં ૨૦ જગ્યાએથી પાણીના લીકેજ મળી આવ્યા
દહેગામ તાલુકાના ગામોમાં સ્વચ્છતાનો ખુબ જ અભાવ જોવા મળી
રહ્યો છે આ સાથે ઘરે ઘરે પુરો પાડવામાં આવતો પાણીનો પુરવઠો પણ શુધ્ધ નહીં હોવાનું
સામે આવી રહ્યું છે. અગાઉ તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પાણીનું
ક્લેરીનેશન કરીને જ પુરવઠો પુરો પાડવા માટે સુચના પણ આપવામાં આવી હતી તેમ છતા ૪૪
જેટલા ગામોમાં ક્લોરીનેશનનો રિપોર્ટ ફેઇલ આવ્યો હતો ત્યારે દહેગામા બહિયલ ગામમાંથી
કોલેરાનો કેસ મળી આવતા ગામમાં સર્વે હાથ ધરાયો હતો જેમાં પાણીની લાઇનમાં ઘણી બધી
જગ્યાએ લીકેજ હોવાનું સામે આવ્યું હતું પ્રથમ દિવસે ૧૩ જ્યારે આજે વધુ સાત જગ્યાએ
લીકેજ મળી આવ્યા છે જે તાત્કાલિક રીપેર કરવા માટે સુચના આપવામાં આવી છે ત્યારે હાલ
પાણીનો પુરવઠો ટ્રેક્ટર દ્વારા પુરો પાડવામાં આવતો હોવાનો દાવો પણ કરવામાં આવી
રહ્યો છે.