ભુવાનગરી વડોદરાના સમા વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો
image : Filephoto
Potholes in Vadodara : વડોદરા સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ વડોદરા ખાડોદરા તરીકે પંકાયા બાદ હવે ભુવા નગરી તરીકે પણ ઓળખાઈ રહી છે. ત્યારે સમા વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં વધુ એક પડેલા ભુવામાં ટ્રેક્ટરનું વ્હીલ ફસાઈ જતા સદભાગ્યે જાનહાની ટળી છે. જોકે સલામતીના કારણોસર બેરીકેટ મૂકીને હાલ પૂરતો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શહેરમાં એક જ દિવસ દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ ખાબોક્યો હતો. વરસાદને કારણે નીચાણ વાળા સહિત અને વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં નાના મોટા ભુવા પડ્યા હતા. સમાવિ વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં પણ આવો જ એક ભુવો પડ્યો હતો. જેનું રીપેરીંગ કામ લગભગ પૂર્ણતાના આરે હતું. પરંતુ ગઈ રાત્રે ત્રણ કલાક રહેલા ધોધમાર વરસાદના કારણે સમા વિસ્તારની આ યોગેશ્વર સોસાયટીમાં વધુ એક ભુવો પડ્યો હતો. જોકે અગાઉ પડેલા ભુવાના રીપેરીંગ માટે ટ્રેક્ટરમાં જરૂરી માલ સામાન આવી રહ્યો હતો ત્યારે આજ સોસાયટીમાં ઓછી થયેલી જમીન પરથી વજનદાર ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક પડેલા ભુવામાં ટ્રેક્ટરનું એક વ્હીલ ફસાઈ ગયું હતું. બનાવની જાણ થતા સ્થાનિક વોર્ડ નં.2 ના કોર્પોરેટર ભાણજી પટેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. જોકે આ એક વધુ પડેલા ભુવા અંગે સલામતીના કારણોસર વિસ્તારમાં બેરીકેટ લગાવીને પ્રાથમિક તબક્કે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.