સાવલી તાલુકાના મોક્સી ગામે થયેલા અકસ્માતમાં વધુ એકનું મોત
ઓવરટેક કરતું ટેન્કર બાબરીમાં જતા પરિવારજનોનો ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયું હતું : કુલ મૃત્યુ આંક છ
વડોદરા,આણંદના અડાસ ગામેથી વડોદરા નજીકના નટરાજ નગરે ભાણીયાની બાબરી પ્રસંગે આવતા પરિવારજનોના ટેમ્પાને સામેથી ઓવરટેક કરીને આવતા ટેન્કર ચાલકે ધડાકાભેર અથાડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડનું મોત થતા કુલ મૃત્યુ આંક છ થયો છે.
ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે, આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતા જશપાલસિંહ રંગીતસિંહ રાજના કાકા ભાવસિંહની દીકરી રામેશ્વરીબેનના પુત્રની શુક્રવારે બાબરી હોવાથી પરિવારજનો અડાસ ગામેથી આયશર ટેમ્પોમાં અડાસ ગામેથી નટવર નગર ગામ આવવા નીકળ્યા હતા.મોક્સી ગામની સીમમાં સાંકરદાથી ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આયશર ટેમ્પોને સામેથી આવતા ટેન્કર ચાલકે ધડાકાભેર અથાડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ૨૭ લોકો સયાજીમાં સારવાર લઇ રહ્યા હતા. જે પૈકી દિલીપસિંહ દોલતસિંહ રાજ ( ઉ.વ.૪૪) નું આજે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના દિવસે જ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આજે વધુ એક વ્યક્તિનું મોત થતા કુલ મૃત્યુ આંક છ થઇ ગયો છે.