લેક ઝોનના સંચાલકોની વધુ એક બેદરકારી,તમામ સીસીટીવી બંધ હાલતમાં છે
સંચાલકોને તંત્રનો કોઇ ડર જ નહતો, મોટા ભાગના નિયમોનો છડેચોક ભંગ કર્યો
વડોદરા,હરણી લેક ઝોન દુર્ઘટનામાં સંચાલકોની એક પછી એક ગંભીર બેદરકારી બહાર આવી રહી છે. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, લેક ઝોનમાં ફિટ કરેલા ૧૦ પૈકી માત્રે એન્ટ્રી ગેટ પાસેનો જ એક કેમેરો ચાલુ હાલતમાં હતો. બાકીના તમામ કેમેરા બંધ હતા.
બિન અનુભવી સ્ટાફ, લાઇફ જેકેટ નહીં પહેરાવવા, સ્વિમીંગ આવડતું ના હોય તેવા લોકોને બોટ ઓપરેટ કરવા માટે આપવાની, બચાવ માટેની રબરની ટયૂબ નહીં રાખવી જેવી સંખ્યાબંધ બેદરકારી પોલીસની તપાસ દરમિયાન બહાર આવી છે. બોટ દુર્ઘટનામાં તપાસમાં સૌથી વધુ મહત્વના પુરાવા પોલીસને લેક ઝોનમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ પરથી મળી શકે તેમ હતું. પરંતુ,સંચાલકોએ કેમેરા પણ ચાલુ રાખ્યા નહતા. આરોપીઓના વર્તન પરથી લાગે છે કે, તેઓને કોઇનો ડર નહતો. છડેચોક લોકોના જીવ સાથે ચેડાં કરનાર સંચાલકો ખુલ્લેઆમ કાયદા અને નિયમનો ભંગ કરતા હતા. તેઓને એ વાતનો પણ ડર નહતો કે, કોર્પોરેશન દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે તો અમને દંડ થશે. કારણકે કોર્પોરેશનના તંત્રને પણ આવી કોઇ દરકાર લેવાનું યોગ્ય લાગ્યું નહતું. ૩૧ વર્ષ પહેલા સૂરસાગરમાં થયેલી બોટ દુર્ઘટનાને ધ્યાને લઇને જાગૃત નાગરિક દ્વારા દોઢ વર્ષ પહેલા જ કોર્પોરેશનને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું. છતાંય કોર્પોરેશનના તંત્રે કોઇ જ કાળજી રાખી નહતી. આ બનાવમાં કોર્પોેરેશનના તંત્રની પણ ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે.સીસીટીવી ચાલુ નહીં રાખવા અંગે પોલીસ દ્વારા સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે.