Get The App

વધુ એક પહાડીયાવાળીઃરામાજીના છાપરા ગામની જમીનનો પણ દસ્તાવેજ થઇ ગયો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
વધુ એક પહાડીયાવાળીઃરામાજીના છાપરા ગામની જમીનનો પણ દસ્તાવેજ થઇ ગયો 1 - image


દહેગામ તાલુકામાં ગામોની જમીન વેચાવાનો સિલસિલો

નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામની ખાનગી સર્વે નંબરની ૧૪ વિઘા જમીન બે તબક્કામાં મૂળ માલિકના વારસદારોએ વેચી

ગાંધીનગર :  ગાંધીનગરના દહેગામ તાલુકામાં એક પછી એક ગામો વેચાવાનો સિલસિલો સામે આવી રહ્યો છે. અગાઉ પહાડિયા ગામ જે રીતે વેચાયું હતું તે રીતે કાલીપુર સહિતના ઘણા પરા-પરુ વેચાઇ ગયા હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે. તેવી સ્થિતિમાં દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામ પણ પહાડિયાવાળી મોડસ ઓપરેન્ડીથી વેચી દેવામાં આવ્યું છે. આ ગામની ૧૪ વિઘા જમીનને ખુલ્લી જમીન બતાવીને તેનો વેચાણ દસ્તાવેજ થઇ ગયો છે.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામ કે જ્યાં ૨૦૦થી વધુ ઘરો છે અને દોઢ હજારથી વધુની વસ્તી વસવાટ કરે છે એટલુ જ નહીં, ગાયકવાડ સરકાર વખતે વસેલા આ રામાજીના છાપરા ગામમાં જે રહિશો વસવાટ કરે છે તેમની પાસે ગાયકવાડ સરકાર વખતે કરવામાં આવતો સ્થાવર કરાર પણ છે. તેમ છતા નગરપાલિકાના ખાનગી સર્વે નંબર ઉપર વસેલા આ ગામનો મુળ માલિકના વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરી દીધો છે. દહેગામના પહાડિયા અને કાલીપુર સહિતના ગામોમાં ખાનગી સર્વેનંબરોની જમીન વેચાઇ ગઇ હોવાનું સામે આવ્યા બાદ રામાજીના છાપરામાં વર્ષોથી વસવાટ કરતા રહિશોએ પોતાના ગામની અને સર્વે નંબરની નોંધ સરકારમાંથી કઢાવી હતી જેમાં વર્ષ ૨૦૨૩ તથા વર્ષ ૨૦૨૪ એમ બે વખત તબક્કાવાર ગામની લગભગ ૧૪ વિઘા જેટલી જમીન વેચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે અધિકારી સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, પહાડિયાની જેમ આ કિસ્સામાં પણ ખાનગી સર્વે નંબરની જમીન વેચી દેવામાં આવી છે અને આ રામાજીના છાપરા ગામમાં પણ મકાનો તથા અન્ય સ્થાવર મિલકતો વસી હોવા છતા અહીં ખુલ્લી જગ્યા હોવાનું બતાવીને તેનો વેચાણ દસ્તાવેજ કરવામાં આળ્યો છે અને આ વેચાણ દસ્તાવેજ પ્રમાણીત પણ થઇ ગયો છે. આવા કિસ્સામાં પિડીતોએ સ્થાનિક ધારાસભ્યના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયની માંગણી કરી છે.

મગોડી ગામમાં પણ ૪૦ મકાનોનું ફળીયું ભુમાફિયાઓએ વેચી દીધું

દહેગામ બાદ હવે ગાંધીનગર તાલુકાના મગોડી પંચાયત હસ્તકનું ૪૦થી ૫૦ મકાનો ધરાવતા આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ૪૭ વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં મકાનો આવેલા છે અને ગ્રામજનો વસવાટ કરે છે ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઇ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે કોંગ્રેસ દ્વારા પણ આ ગામમાં જઇને ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવશે અને તેમને ન્યાય અપાવવા માટે તંત્રને રજુઆત કરવામાં આવશે.

૨૦૦ ઘર અને ૧૫૦૦ની વસ્તી છતા ખુલ્લી જમીન બતાવી વેચી દીધી

દહેગામ તાલુકાના પરા અને પેટાપરાના મુળ માલિકાનો વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે દહેગામ નગરપાલિકામાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામની ૧૪ વિઘા ખાનગી સર્વે નંબરની જમીનનો વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરાવી દીધો છે જેમાં હાલ વર્ષોતી ૨૦૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે જ્યાં ગામની ૧૫૦૦ જેટલી વસ્તી વસવાટ કરી રહી છે જ્યાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં સેવા-સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ત્યારે આ મકાન સહિતની અન્ય સ્થાવર મિલકતો હોવા છતા અહીં ખુલ્લી જમીન બતાવીને તેનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News