સાંઇ કન્સલટન્સીના પિતા - પુત્ર સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
મોબાઇલ કંપનીના કર્મચારીને કેનેડાના વિઝા અપાવવાનું કહી ૫.૫૦ લાખ પડાવી લીધા
વડોદરા,ા વિઝિટર વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને સાંઇ કન્સલટન્સીના સંચાલક પિતા - પુત્રે ૫.૫૦ લાખ પડાવી લેતા ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા મધુનગર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં રહેતો આસિફખાન પઠાણ અક્ષર ચોક રિલાયન્સ મોલમાં આવેલ રિલાયન્સ ડિઝિટલ દુકાનમાં એપ્પલ મોબાઇલમાં સેલ્સ પ્રોમોટેડ તરીકે છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૩માં મારે કેનેડા નોકરી કરવા માટે જવાનું હોવાથી વિઝાનું કામ કરતા એજન્ટની શોધમાં હતો. તે દરમિયાન નિઝામપુરા સાંઇ કન્સલટન્સીના માલિક રાજેન્દ્રભાઇ એમ.શાહ તથા તેમના દીકરા રિંકેશનો સંપર્ક થયો હતો. માર્ચ - ૨૦૨૩માં હું તેઓને ઓફિસે મળવા માટે ગયો હતો. તેઓએ કહ્યું હતું કે, છ લાખ એડવાન્સમાં આપવા પડશે અને બાકીના છ લાખ કેનેડામાં નોકરી મળી ગયા પછી આપવાના રહેશે. મેં તેઓને રોકડા ૫૦ હજાર અને ચેકથી પાંચ લાખ મળીને કુલ ૫.૫૦ લાખ ચૂકવ્યા હતા. તેઓએ મને ત્રણ મહિનામાં વિઝિટર વિઝા અને વર્ક પરમિટ અપાવવાની વાત કરી હતી. પરંતુ, જુલાઇ મહિનામાં તેઓેએ ઓફિસ બંધ કરી દીધી હતી.